West Bengal Protocol Controversy: પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન મામલે કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી સરકાર સામસામે આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર ઘટનાની અત્યંત ગંભીર નોંધ લઈને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વિગતવાર ખુલાસો માંગ્યો છે.
ગૃહ મંત્રાલયની કડક કાર્યવાહી
સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્ય સરકારને લખેલા પત્રમાં પ્રોટોકોલનો અભાવ, સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ અને કાર્યક્રમના સ્થળમાં કરાયેલા ફેરફાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ મામલે જવાબદાર એવા દાર્જિલિંગના ડીએમ, સિલિગુડીના પોલીસ કમિશનર અને એડીએમ સામે કાર્યવાહીની પણ શક્યતા છે.
ક્યાં થઈ પ્રોટોકોલની ચૂક?
રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન સુરક્ષા અને મર્યાદાના અનેક નિયમોના ભંગના આક્ષેપો થયા છે. પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિના આગમન સમયે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ કે ડીજીપી હાજર હોવા જોઈએ, પરંતુ અહીં માત્ર સિલિગુડીના મેયર જ હાજર હતા. રાષ્ટ્રપતિ માટે અનામત રખાયેલા શૌચાલયમાં પાણીની વ્યવસ્થા નહોતી અને વહીવટી માર્ગ કચરાથી ભરેલો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિના સચોટ રૂટની માહિતીનો અભાવ અને વ્યવસ્થામાં અન્ય ખામીઓ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર ગણવામાં આવી છે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી
સ્થળ બદલવા મુદ્દે રાષ્ટ્રપતિની નારાજગી
ઉત્તર બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આયોજિત નવમા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનના સ્થળમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતા રાષ્ટ્રપતિએ પોતે નારાજગી વ્યક્ત કરી હતી. મૂળ કાર્યક્રમ બિધાનનગર (ફાંસીદેવા)માં યોજાવાનો હતો, પરંતુ રાજ્ય પ્રશાસને તેને બાગડોગરા નજીક ગોશાયપુરમાં ખસેડ્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે નવું સ્થળ એટલું નાનું હતું કે હજારો આદિવાસી ભાઈ-બહેનો તેમાં હાજરી આપી શક્યા નહીં.
રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી..: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળમાં TMCએ સરકારે તમામ હદ પાર કરી દીધી છે. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું વહીવટતંત્ર જવાબદાર છે. એ પણ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ સરકાર સંથાલ સંસ્કૃતિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને આટલી બેદરકારીથી લઈ રહી છે. રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે, અને તેની ગરિમાનું હંમેશા સન્માન કરવું જોઈએ.”
મમતા નાની બહેન જેવી છે, પણ આયોજન યોગ્ય નથી: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિલિગુડીના ફાંસીદેવા ખાતે યોજાયેલા સંમેલન માટે પસંદ કરાયેલા સ્થળના કદ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘સંમેલન માટે પસંદ કરેલું સ્થળ ખૂબ નાનું હતું, જ્યાં 5,000 લોકો માટે પણ પૂરતી જગ્યા નહોતી. બિધાનનગર મેદાન જેવા મોટા સ્થળો ઉપલબ્ધ હોવા છતાં આટલી નાની જગ્યા કેમ પસંદ કરાઈ? જો મોટું મેદાન હોત તો લાખો સંથાલ ભાઈ-બહેનો ભાગ લઈ શક્યા હોત. મમતા બેનરજી મારી નાની બહેન સમાન છે, મને નથી લાગતું કે તે મારાથી ગુસ્સે હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે આવી વ્યવસ્થા કેમ?’
મમતા બેનરજીના ભાજપ પર પ્રહાર
રાષ્ટ્રપતિની નારાજગી સામે મુખ્યમંત્રી મમતા બેનરજીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘હું રાષ્ટ્રપતિનો સંપૂર્ણ આદર કરું છું, પરંતુ તેમણે ભાજપના ઈશારે રાજકારણમાં ન પડવું જોઈએ. જ્યારે મણિપુર કે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં આદિવાસીઓ પર અત્યાચાર થયા ત્યારે રાષ્ટ્રપતિએ કેમ પ્રતિક્રિયા ન આપી? પશ્ચિમ બંગાળ સરકારે આદિવાસીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે, જેની કદાચ રાષ્ટ્રપતિ પાસે સચોટ માહિતી નથી.’ તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ ચૂંટણી ટાણે આદિવાસી મુદ્દાઓ પર રાજકારણ રમી રહ્યું છે.















