અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં કેટલાંક માથાભારે તત્વો વીજકંપનીના મીટરની ચોરી કરીને અન્યને વેચાણ આપીને લાખો રૂપિયાની વીજ ચોરી કરવામાં આવતી હોવાનુ કૌભાડ સામે આવ્યું છે. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ટોરેન્ટ પાવરના અધિકારીઓને માહિતી મળી હતી કે અમરાઇવાડી, દાણીલીમડા, બહેરામપુરા અને જમાલપુર સહિતના વિસ્તારોમાં મીટરની ચોરી કરીને તેને ગેરકાયદે અન્ય સ્થળે જોડાણ આપીને લાખો રૂપિયાની વીજ ચોરી કરવાનું મોટુ કૌભાંડ ચાલે છે.
જેના આધારે વિશેષ ટીમ દ્વારા બહેરામપુરા ઇએસ ડબલ્યુ આવાસના બ્લોક નંબર ૧માં તપાસ કરતા એક મીટર ચાલુ સ્થિતિમાં મળી આવ્યું હતું. જે મીટરનો નંબર તપાસતા તે યુુનુસખાન પઠાણ (રહે. ભઠીયાર વાડ, જમાલપુર)ને ફાળવવામાં આવ્યું હતું. પરંતુ, તે મીટર ચોરી થયુ હતુ.
આ અંગે આવાસ યોજનામાં રહેતા મીસબા નીલગરને પુછતા જાણવા મળ્યું હતું કે યુસુફખાન પઠાણ (રહે. રહેમત રેસીડેન્સી, જમાલપુર) દ્વારા આ મીટર લાવીને લગાવવામાં આવ્યું હતું. જેેના નાણાં તે બારોબાર લઇને લાખો રૂપિયાની વીજ ચોરીનું કૌભાંડ ચલાવતો હતો. તેણે અન્ય મીટર ચોરી કરીને અન્ય જગ્યાએ વેચ્યા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.















