![]()
– 18 થી 20 માર્ચમાં કર્મચારીઓ રજા રિપોર્ટ ભરશે, આવેદન પત્ર અપાશે
– પગાર વધારો, નિવૃતિ વયમર્યાદા સહિતની 12 માંગણી નહીં ઉકેલાતા વિરોધ કરાશે
ભાવનગર : સી.આઈ.ટી.યુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ૨૬ જિલ્લાના ૧૦૬ જેટલા આગેવાનોની બનેલી રાજ્યો કારોબારીની બેઠકમાં આગામી તા. ૧૮, ૧૯ અને ૨૦ માર્ચના રોજ આંગણવાડી કર્મચારીઓ રજા મુકી કામથી અળગા રહેશે તેમજ આવેદન પત્ર આપી વિરોધ નોંધાવશે.
ભાવનગર શહેર અને જિલ્લાના આંગણવાડી કર્મચારીઓની ૧૨ જેટલી માગણીઓ નહીં ઉકેલાતા પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ રજા રિપોર્ટ ભરીને તેમજ સ્થાનિક અધિકારીઓને આવેદનપત્રો અપાશે અને કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, જેમાં પગાર વધારા, ડિજિટલ કામગીરી માટે ૨૦૨૨ માં આપેલ વચન મુજબ નવા મોબાઇલ આપવા, નિવૃત્તિ વયમર્યાદા ૬૦ કરવી, બાળકોના પોષણ આહાર માટેના દર ૨૦૧૯ માં નક્કી કરાયા બાદ વધારો ન કરાતા તે વધારો કરવા, એવીટી અને એફ આર એસ જેવા એપ્લિકેશન કામ કરતા ન હોય તે બંધ કરવા, બાળકોના કોષોના હારના તેમજ અન્ય તમામ બિલો નિયમિત ચૂકવાય અને તે બહેનોને પોતાના પગારમાંથી ખર્ચ ન પડે તે માટે એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની માંગણીનો સમાવેશ થાય છે. લાંબા સમયથી ગુજરાતની ૧,૦૬,૦૦૦ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સરકાર સમક્ષ ૨૭ વખત બેઠક યોજીને માગણીનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ચૂકી છે. સરકારને કુપોષિત બાળકોની પણ ચિંતા નથી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓના પગારોમાં વધારો કરેલ છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર અને હેલ્પરોના પગારોમાં વધારો કર્યા વિના કામના બોજમાં પણ જંગી વધારો કરેલ છે. વર્તમાન મોંઘવારીની પરિસ્થિતિમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોને જીવન ટકાવવું મુશ્કેલ બન્યુ છે.















