LPG Cylinders: દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે સરકારે દેશમાં LPG ગેસના ઉપયોગ અંગેના નિયમો વધુ કડક બનાવ્યા છે. તાજેતરમાં જ સામે આવેલી માહિતી પ્રમાણે હવે LPG સિલિન્ડરનો સંગ્રહ કરનારા અને PNG સાથે ડબલ ગેસ કનેક્શન ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે આ પગલાંનો હેતુ ગેસની સપ્લાઈ સંતુલિત રાખવાનો અને જરૂરિયાતમંદ પરિવારો સુધી સંસાધનો પહોંચાડવાનો છે.
ઉર્જા સંસાધનો પર વધતા દબાણ અને આયાત પર નિર્ભરતાને ધ્યાનમાં રાખતા સરકારે કાનૂની જોગવાઈઓને કડકાઈથી લાગુ કરવાનો સંકેત આપ્યો છે. તો ચાલો એ જાણીએ કે, આ નિયમો હેઠળ કઈ-કઈ જોગવાઈ છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે LPG ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા નિયમોમાં પણ ફેરફાર કર્યા છે.
ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય?
સરકારી નિયમો પ્રમાણે ઘરેલુ ગ્રાહકોને મહત્તમ 2 LPG સિલિન્ડર રાખવાની મંજૂરી છે. જો કોઈ વ્યક્તિ માન્ય પરમિટ વિના 40 કિલોગ્રામથી વધુ LPGનો સંગ્રહ કરે તો તેને સંગ્રહખોરી માનવામાં આવે છે.
આવા મામલામાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ કાર્યવાહી કરી શકાય છે. આ કાયદાની કલમ 7 પ્રમાણે દોષિતોને ત્રણ મહિનાથી સાત વર્ષની સજાની જોગવાઈ છે. કલમ 6A હેઠળ વધારાના ગેસ સિલિન્ડર જપ્ત કરી શકાય છે. આટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સંબંધિત ગ્રાહકનું ગેસ કનેક્શન પણ રદ કરી શકાય છે.
PNG અને LPG બંને કનેક્શન રાખવા પર રોક
માર્ચ 2026માં પેટ્રોલિયમ મંત્રાલયે LPG (પુરવઠા અને વિતરણ નિયમન) ઓર્ડર 2000માં સુધારો કરીને એક નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ હવે કોઈપણ ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) અને LPG બંને કનેક્શન એકસાથે રાખવા ગેરકાયદેસર માનવામાં આવશે.
સરકારનું કહેવું છે કે, ‘જ્યાં PNGની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં LPGની જરૂરિયાત ઓછી થઈ જાય છે. તેથી આવા ગ્રાહકોને તાત્કાલિક તેમના LPG કનેક્શન સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે.’
આ પણ વાંચો: ‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત
જો કે, જો કોઈ ગ્રાહક સ્વેચ્છાએ LPG કનેક્શન પરત કરી દે છે, તો તેને કોઈ દંડ ફટકારવામાં નહીં આવશે. પરંતુ જો નિયમોની અવગણના કરવામાં આવે અને બંને કનેક્શન એકસાથે ઉપયોગમાં લેવાતા જોવા મળે, તો સબંધિત વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
ગેરકાયદેસર સંગ્રહની અહીં કરો ફરિયાદ
જો કોઈ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અથવા ગેરકાયદેસર સંગ્રહની માહિતી મળે, તો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકાય છે. તેના માટે 1906 LPG ઈમરજન્સી હેલ્પલાઈન ઉપલબ્ધ છે, જ્યાં ગ્રાહકો સીધી જાણ કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા ખાદ્ય અને પુરવઠા વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર અથવા પોલીસને પણ આવી ગતિવિધિઓની જાણ કરી શકાય છે.
સરકારનું કહેવું છે કે, ‘ગેસની ઉપલબ્ધતા જાળવી રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ પણ ખૂબ જ જરૂરી છે.’















