અમદાવાદ, શનિવારં
શહેરના વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલ સ્થિત એક સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા એક સ્પામાં દરોડો પાડીને મસાજની આડમાં ચાલતા દેહવિક્રયના કારોબારને ઝડપીને પોલીસે નોર્થ ઇસ્ટની ત્રણ યુવતીઓને છોડાવીને મુખ્ય સંચાલક સહિત બે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. મોલના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે મોલમાં પરિવાર સાથે લોકો ફરવા આવે છે અહીયા મોટો પ્રમાણમાં મસાજ સેન્ટરની આડમાં દેહવિક્રયનો કારોબાર ચાલે છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના તાબામાં આવતા એન્ટી હ્યુમન ટફિકીંગ યુનિટના સ્ટાફને બાતમી મળી હતી કે હિમાલયા મોલ બીજા માળે આવેલા બુધ્ધા સ્પામાં બહારથી થેરાપીસ્ટના નામે યુવતીઓને લાવીને તેમની પાસે મસાજની આડમાં દેહવિક્રયનો કારોબાર કરવામાં આવે છે. જેના આધારે ડમી ગ્રાહક મોકલીને મેનેજર સની સંતોષ સાથે વાત કરીને ડીલ નક્કી થતા પોલીસે દરોડો પાડતા ત્રણ યુવતીઓ મળી આવી હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્પાનો સંચાલક ઇરશાદ સૈયદ (રહે. કારંજ) સ્પા ચલાવતો હતો અને યુવતીઓને ગ્રાહક દીઠ એક હજાર અપાવવાનું કહીને કાળો કારોબાર ચલાવતો હતો. તેણે સ્પા સેન્ટરમાં સાત રૂમ પણ બનાવ્યા હતા.
આ દરોડાને પગલે મોલમાં ચાલતા અન્ય સ્પા સેન્ટર સંચાલકોએ નાસી ગયા હતા. હિમાલયા મોલમાં વિવિધ શોપના સંચાલકોએ જણાવ્યું હતું કે હિમાલયા મોલમાં લોકો પરિવાર સાથે આવતા હોય છે. પરંતુ, મોલમાં સ્પાના નામે ચાલતા સેન્ટરમાં અનૈતિક ધંધા ચાલતા હોવાથી અમે પરેશાન થઇ ગયા છે. પરંતુ, પોલીસ તેમના વહીવટદારના એજન્ટની મદદથી પૈસા લઇને બધુ બેરોકટોક રીતે ચાલવા દે છે અને મોલમાં પોલીસની રહેમનજર હેઠળ સ્પા સેન્ટર વધી ગયા છે. બીજી તરફ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે બુઘ્ઘા સ્પાની બાજુમાં આવેલા લી થાઇ નામના સ્પાના સંચાલક યુવરાજની પણ પોલીસ સાથે મિલીભગત છે. જે હિમાલયા મોલમાં આવેલા તમામ સ્પા માટે નાણાં ઉઘરાવીને પોલીસને પહોંચતા કરે છે. જેથી પોલીસનો દરોડો પડતો નથી. પરંતુ, બુદ્ઘા સ્પા સંચાલક સાથે હપતા ખોરી બાબતે વિવાદ થતા દરોડો પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. યુવરાજ નિયમિત રીતે મોલ સ્થિત સ્પા માટે વહીવટ કરતો હતો.















