![]()
– વોટ્સએપમાં આવેલી એપીકે ફાઈલ ડાઉનલોડ કરતા
– તમાસમાં રકમ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવાઈ હોવાનું સામે આવ્યું, પોલીસે ફરિયાદ નોંધી
નડિયાદ : ખેડા તાલુકાના કલોલી ગામના એક યુવક સાથે ઓનલાઇન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગઠિયાઓએ મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી બેંક ખાતામાંથી રૂ. ૧.૯૧ લાખથી વધુ રકમ ઉપાડી લીધી છે.
કલોલી ગામે પાણીની ટાંકી સામે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા ગોપાલભાઈ શનાભાઈ ગોહેલના મોબાઈલ પર તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ વોટ્સએપના ‘ખોડલ’ નામના ગુ્રપમાં ‘આરટીઓ ચલન, એપ્લીકેશન’ નામની ફાઈલ આવી હતી. ગોપાલભાઈએ આ ફાઈલ ડાઉનલોડ કરતા જ ગઠિયાઓએ તેમના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. બાદમાં આરોપીઓએ તારીખ ૨૫ અને ૨૬ ડિસેમ્બર દરમિયાન બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૧,૯૧,૪૭૦ તેમના બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરી લીધા હતા. આ રકમ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગોપાલભાઈને બેંકના મેસેજ મળતા જ છેતરપિંડીની જાણ થતાં તેમણે તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કર્યોે હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ઓનલાઇન છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે















