![]()
મગફળી ઉત્પાદન 25 ટકા વધ્યું, ભાવ પણ ગત વર્ષથી 25 ટકા વધુ! : સાથે કપાસિયા સહિત સાઈડતેલો 200થી 300 વધ્યા: રાંધણ ગેસ, લીંબુ,મરચા પાવડર સહિત ખાદ્યચીજો મોંઘી : સરકારની મુક સંમતિ
રાજકોટ, : દેશમાં ગત વર્ષ 2024-25માં મગફળીનું 119.42 લાખ ટન અને સોયાબીનનું 152.68 લાખ ટન વિક્રમજનક ઉત્પાદન થયાનું કેન્દ્ર સરકારે હરખભેર જાહેર કર્યું હતું અને ગુજરાતમાં આ વર્ષે 52.20 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું તે ઈ.સ. 2025- 26માં તો તે વિક્રમ પણ તોડીને પહેલા અંદાજમાં 66 લાખ ટન અને બાદમાં 60 લાખ ટન થયાનું જાહેર થયું છે. પરંતુ, આ મગફળીમાંથી તેલમિલો દ્વારા બનાવાતું સિંગતેલ કે જેમાં ગુજરાત આત્મનિર્ભર જ નહીં, નોંધપાત્ર સરપ્લસ હોવા છતાં સસ્તા સિંગતેલનો લાભ મળવાનું તો દૂર, ઉલ્ટુ આજે સિંગતેલ ડબ્બાના ભાવ તેલલોબીએ વિક્રમજનક રૂ।. 3000ને પાર કરી દીધા છે.
આશ્ચર્યજનક રીતે, ગત વર્ષની મગફળીના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થયો ત્યારે સિંગતેલના ભાવ ઘટવાનું તો દૂર રહ્યુ, ગત વર્ષ કરતા 25 ટકાનો વધારો થયો છે અને સત્તામાં રહેલા સમૃધ્ધ નેતાઓને આ ભાવ વધારો નડતો નથી અને મૌન છે.
માત્ર મગફળી નહીં, પણ તેના વિકલ્પમાં વપરાતા કપાસિયા તેલના 15 કિલો ડબ્બાના ભાવ ગત તા. 28 ફેબુ્રઆરીએ મહત્તમ રૂ।. 2300 હતા તે આજે રૂ।. 2510 ઉપર પહોંચાડી દેવાયા છે. જ્યારે આયાતી પામતેલ પણ રૂ।. 2100 ની નીચે રહેતું તે વધીને આજે રૂ।. 2275 એ પહોંચ્યું છે. સૂર્યમુખીનું તેલ રૂ।. 2290 થી વધીને રૂ।. 2540એ પહોંચ્યું છે.
ખાદ્યતેલની સાથે લીંબુના ભાવ ફરસાણ જેવા થઈ ગયા છે, લાલ મરચાના પાવડરમાં લાલચોળ તેજી છે, રાંધણગેસની મ્હોકાણની વચ્ચે ભાવમાં રૂ।. 60 વધારાયા છે. ગુજરાતમાં ઘંઉનો પાક પણ ગત વર્ષે 39 લાખ ટનથી વધીને 45 લાખ ટને પહોંચ્યો, આ વર્ષ 2025- 26 માં તેથી પણ વધીને રેકોર્ડબ્રેક 48.55 લાખ ટનને પાર થવાનો અંદાજ છે. આમ, બે વર્ષમાં ઘંઉ ઉત્પાદન 9થી 10 લાખ ટન વધવા છતાં યાર્ડમાં ઘંઉ ટૂકડાના ભાવ રૂ. 500થી 600 પણ ગૃહિણીઓ માટે વિણાટ ઘંઉના ખરીદ ભાવ રૂ।. 700- 800એ પહોંચ્યા છે અર્થાત્ ગત વર્ષથી કોઈ જ રાહત મળી નથી.















