Satadhar Flyover Inaugurated in Ahmedabad: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું વિધિવત લોકાર્પણ કર્યું છે. આ બ્રિજ કાર્યરત થતા જ નારણપુરા, ઘાટલોડિયા અને સોલા સાયન્સ સિટી તરફ જતા હજારો વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
90 કરોડ રૂપિયાના ખર્ચે ટ્રાફિકમુક્ત મુસાફરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે આ આધુનિક ફોરલેન ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. 936 મીટરની લંબાઈ અને 16.60 મીટરની પહોળાઈ ધરાવતો આ બ્રિજ સતાધાર ચાર રસ્તા પર થતા ટ્રાફિક જામને કાયમી ધોરણે દૂર કરશે. હવે વાહનચાલકો કોઈપણ અવરોધ વિના સીધા નારણપુરાથી સોલા રોડ અને સાયન્સ સિટી તરફ જઈ શકશે.

મુખ્યમંત્રીના સૂચનથી સાકાર થયો પ્રોજેક્ટ
ઉલ્લેખનીય છે કે, સતાધાર જંક્શન પર ટ્રાફિકનું ભારણ વધતા અહીં ફ્લાયઓવર બનાવવાનું સૂચન ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ બ્રિજના નિર્માણથી ઈંધણ અને સમય બંનેની બચત થશે.
આ પણ વાંચો: અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્યા
વાહનચાલકોમાં અનેરો ઉત્સાહ
લોકાર્પણ બાદ તુરંત જ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. વર્ષોથી આ જંક્શન પર સિગ્નલ અને ટ્રાફિકમાં ફસાયેલા રહેતા સ્થાનિક રહિશો અને મુસાફરોએ આ સુવિધા બદલ રાજ્ય સરકાર અને કોર્પોરેશનનો આભાર માન્યો હતો. આ ફ્લાયઓવરના કારણે આસપાસના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોની કનેક્ટિવિટી પણ વધુ મજબૂત બનશે.















