– માર્ચમાં 2.9 લાખથી વધુ પીએનજી કનેક્શન અપાયા : હોટેલ, રેસ્ટોરાં, જરૂરી ઉદ્યોગોમાં કમર્શિયલ એલપીજીનો સપ્લાય વધારાયો
– કેન્દ્ર સરકારે દરેક જિલ્લામાં બે પેટ્રોલ પંપોને 5,000 લીટર સુધીનું કેરોસીન રાખવા-વેચવાની છૂટ આપી
– ભારતના વધુ બે જહાજોએ હોર્મુઝની ખાડી પાર કરી, 18 જહાજ હજુ ફસાયેલા
નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય ધ્વજવાળા વધુ બે જહાજે સલામત રીતે હોર્મુઝની ખાડી પાર કરી દીધી છે અને તે આગામી કેટલાક દિવસમાં ભારતીય દરિયા કિનારે પહોંચી જવાની શક્યતા છે. આ જહાજો પર દેશની એક-બે દિવસની જરૂરિયાત પૂરી કરે તેટલો એલપીજી લદાયેલો છે. દેશમાં એલપીજીના સંકટનો સામનો કરવા સરકાર અનેક પગલાં લઈ રહી છે ત્યારે લાંબા સમય પછી બજારમાં કેરોસીનનું પુનરાગમન થયું છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપો પર કેરોસીનના વેચાણ માટે લાઈસન્સિંગના નિયમોમાં અસ્થાયી છૂટ આપી છે.
દેશમાં કમર્શિયલ એલપીજીની અછત વચ્ચે કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને લોકોને કેરોસીન મળી રહે તે માટે પેટ્રોલિયમ સુરક્ષા, લાઈસન્સિંગના નિયમોમાં અસ્થાયી છૂટ આપી છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેરોસીનનો પૂરવઠો માત્ર ઘરેલુ ઉપયોગ જેમ કે ભોજન બનાવવા અને વીજળીના અભાવે પ્રકાશ ફેલાવવા માટે જ કરી શકાશે.
કેન્દ્ર સરકારે ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૬૦ દિવસ માટે સુપીરિયર કેરોસિન ઓઈલના એડ-હોક પૂરવઠાને મંજૂરી આપી છે, જેથી જનતાએ ઈંધણની અછતનો સામનો કરવો ના પડે. આ ફેરફાર હેઠળ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા સંચાલિત પસંદગીના પેટ્રોલ પંપોને કેરોસિનનો સંગ્રહ કરવાની અને વિતરણ કરવાની મંજૂરી અપાઈ છે. આ પેટ્રોલ પંપો ૫,૦૦૦ લીટર સુધીનું કેરોસીન રાખી શકશે. સરકારે દરેક જિલ્લામાં મહત્તમ બે પેટ્રોલ પંપોને કેરોસીન રાખવાની છૂટ આપી છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં તબક્કાવાર કેરોસીનનું વેચાણ બંધ કરી દીધું હતું. છેલ્લે ૨૦૨૦માં દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં કેરોસીનનું વેચાણ બંધ કરીને સરકારે દેશને કેરોસીન મુક્ત જાહેર કર્યો હતો.
દરમિયાન ભારતીય ધ્વજવાળા વધુ બે એલપીજી ટેન્કર યુદ્ધગ્રસ્ત હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે અને આગામી કેટલાક દિવસમાં ભારતીય બંદરો પર પહોંચી જશે. આ બંને જહાજ ૯૪,૦૦૦ ટન એલપીજી કાર્ગો લઈને આવી રહ્યા છે. એક જહાજ બીડબલ્યુ ટીવાયઆર ૩૧ માર્ચે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે જ્યારે બીડબલ્યુ ઈએલએમ ન્યૂ મેંગલોર તરફ જઈ રહ્યું છે, જે એક એપ્રિલે આવે તેવી શક્યતા છે. હોર્મુઝની ખાડીમાં ૪૮૫ ભારતીય નાવિકો સાથે ભારતીય ધ્વજવાળા હજુ ૧૮ જહાજ ફસાયેલા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એલપીજી કેરિયર જગ વિક્રમ, ગ્રીન આશા અને ગ્રીન સાન્વી હજુ પણ હોર્મુઝની ખાડીમાં છે અને એક ખાલી જહાજમાં એલપીજી ભરાઈ રહ્યો છે.દરમિયાન પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં એલપીજી અને પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.
એલપીજીની કટોકટી વચ્ચે દેશમાં માર્ચ મહિનામાં શહેરોમાં ગેસ વિતરણનું નેટવર્ક વધારવામાં આવ્યું છે અને એલપીજીની જગ્યાએ પીએનજીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. માર્ચમાં ૨.૯ લાખથી વધુ નવા પીએનજી કનેક્શન અપાયા છે. હોટેલ, રેસ્ટોરાં અને જરૂરી ઉદ્યોગોને કમર્શિયલ એલપીજીનો સપ્લાય વધારવામાં આવી રહ્યો છે. બીજીબાજુ એલપીજીની સંગ્રહરખોરી અને કાળાબજાર રોકવા ૨૯૦૦ દરોડા પડાયા હતા અને લગભગ ૧,૦૦૦ સિલિન્ડર જપ્ત કરાયા હતા.















