![]()
Surat Corporation : સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈકાલે આગની દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોના મોત બાદ પાલિકા તંત્ર ઉંઘમાંથી સફાળું જાગ્યું છે. લિંબાયત સહિત પાલિકાના મોટાભાગના ઝોનમાં રહેણાંક વિસ્તારમાં જીવતા બોમ્બ જેવા ગોડાઉન આવ્યા છે. મીઠી ખાડીની દુર્ઘટના બાદ લિંબાયત મીઠીખાડીના રહેણાંક વિસ્તારમાં જોખમી ગોડાઉનના સર્વે માટે કવાયત શરૂ થઈ છે. જોકે, આ સમસ્યા માત્ર લિંબાયતમાં જ નહીં પરંતુ અન્ય ઝોનમાં પણ જોવા મળી રહી છે. હાલ તો લિબાયત ઝોને સર્વે માટે આયોજન કર્યું છે પરંતુ તમામ ઝોનના રહેણાંક વિસ્તારમાં સર્વે થાય તેવી માંગણી શરૂ થઈ ગઈ છે.
સુરત પાલિકાના લિંબાયત ઝોનના મીઠીખાડીના બેઠી કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં જોખમી રીતે ગોડાઉનમાં રખાયેલા જ્વલંતશીલ પદાર્થના કારણે આગ લાગી હતી. મીઠીખાડી વિસ્તારમાં બેઠી કોલોનીમાં ત્રણ માળના મકાનમાં રસોઈ બનાવતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી. આ મિલકતમાં જ્વલનશીલ પદાર્થને સાડીના મોટા જથ્થાને કારણે આગ વિકરાળ બની હતી. આ દુર્ઘટનામાં ચાર વર્ષીય માસુમ બાળક સહિત એક જ પરિવારનાં પાંચ સભ્યોના મોત નિપજયા હતા.
આ આગ વધુ વિકરાળ બનાવાનું કારણે ઘરમાં જ ગોડાઉન અને જ્વલંત પદાર્થનો સંગ્રહ હોવાનું બહાર આવ્યું હતું. સદ્દનસીબે આગના કારણે અન્ય મકાનમાં કોઈ નુકસાન થયું નથી પરંતુ આ દુર્ઘટના બાદ રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે ચાલતા ગોડાઉન સામે પાલિકાની નબળી કામગીરી હોવાનું બહાર આવ્યું છે. આ પાંચ મોત બાદ લિંબાયત ઝોનના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બનેલા ગોડાઉન સામે સર્વે માટેની કવાયત શરુ કરી છે. મકાનોમાં ગેરકાયદેસર રીતે ગોડાઉન તરીકે ઉપયોગ કરનાર મિલકતદારો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે.
સુરત પાલિકાની બેદરકારી ના કારણે શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં જીવતા બોમ્બ જેવા ગોડાઉન ધમધમી રહ્યા છે. પાલિકા રહેણાંક વિસ્તારમાં ચાલતા જોખમી ગોડાઉન સામે કામગીરી નહીં કરે તો મીઠી ખાડી બેઠી કોલોની જેવા દુર્ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. જેના કારણે માત્ર લિંબાયત જ નહી પરંતુ અન્ય ઝોનમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા જોખમી ગોડાઉન સામે કાર્યવાહી માટે માંગણી થઈ રહી છે.












