![]()
મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ઊભરતી બજારોમાં નકારાત્મક વળતર પૂરુ પાડવામાં એકલા ભારતના જ શેરબજારનો સમાવેશ થાય છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં સેન્સેકસ તથા નિફટી૫૦ ઈન્ડેકસમાં રોકાણકારોને વાર્ષિક ધોરણે અનુક્રમે સાત ટકા અને પાંચ ટકા નેગેટિવ વળતર પ્રાપ્ત થયું છે.
ભારતની સરખામણીએ અન્ય ઊભરતી બજારોએ મજબૂત વળતર પૂરા પાડયા છે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ઊભરતી બજારોમાં ચીનનો સીએસઆઈ ૩૦૦ ૧૪.૪૦ ટકા , તાઈવાનનો તાઈએકસ ૫૮.૮૨ ટકા, જાપાનનો નિક્કી ૪૮.૫૭ ટકા, દક્ષિણ કોરિઆનો કોસ્પી ૧૧૩.૨૭ ટકા અને હોંગકોંગનો હેન્ગ સેન્ગ ૯.૬૮ ટકા વધ્યો છે.
એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેકસ પણ વિતેલા નાણાં વર્ષમાં ૩.૫૭ ટકા ઘટયો છે, જ્યારે એમએસસીઆઈ ઈએમ ઈન્ડેકસ ૨૬.૮૬ ટકા વધ્યો છે.
ભારતમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીને પગલે ભારતીય બજારોમાં નકારાત્મક વળતર પ્રાપ્ત થયું છે.
આગળ જતા નવા નાણાં વર્ષમાં પણ ઊભરતી બજારોમાં ભારતની કામગીરી નબળી રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે. ક્રુડ તેલના ઊંચા ભાવ, કંપનીઓના અર્નિંગ્સ પર દબાણ તથા રૂપિયામાં નબળાઈ ભારતની બજારો માટે પ્રતિકૂળ સાબિત થઈ રહ્યા છે.
રૂપિયામાં ઘટાડાથી વિદેશી રોકાણકારોની નુકસાની વધી રહી છે જેને પગલે તેઓ ભારતીય ઈક્વિટીસમાંથી હળવા થઈ રહ્યા છે.
છેલ્લા છ નાણાં વર્ષ બાદ ૨૦૨૫-૨૬માં બીએસઈ સેન્સેકસ ેનેગેટિવ વળતર પૂરુ પાડયું છે. આ અગાઉ નાણાં વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે સેન્સેકસ પર ૨૩.૮૦ ટકા નિફટીમાં ૨૬.૦૩ ટકા નેગેટિવ વળતર રહ્યું હતું.















