![]()
વડોદરા : ફતેગંજ પોલીસ સ્ટેશનમાં શેખ બાબુની હત્યા કરવાના બનાવમાં
સંડોવાયેલા કોન્સ્ટેબલે સબંધીના બેસણામાં હાજરી આપવા તેમજ પુત્રની આરટીઇ હેઠળ
પ્રવેશ લેવાનો હોઇ ૧૨ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે અરજદારની અરજી નામંજૂર
કરી હતી.
કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૧૯માં ફતેગંજ પોલીસે ચોરીના બનાવમાં
સંડોવણી હોવાની શંકા રાખીને બાબુ નિસાર શેખની અટકાયત કરી હતી અને તેને ઢોર માર
મારવામાં આવતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે આખરે પીઆઇ, પીએસઆઇ
અને પોલીસ જવાનો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
આ કેસમાં હાલ જેલમાં રહેલા પોલીસ કોન્સ્ટેબલ પંકજ માવજીભાઇ
રાઠોડએ વચગાળના ૧૨ દિવસના જામીન માગ્યા હતા અને તેમાં રજૂઆત કરી હતી કે, તેમના
નાની અને ફુવાનું અવસાન થયું હોઇ તેમના બેસણામાં હાજરી આપવી જરુરી છે. તેમજ
પુત્રનું આર.ટી.ઈ.માં એડમીશન માટે જરૃરી
દસ્તાવેજો તૈયાર કરવા માટે પણ ૧૨ દિવસના જામીનની આપવામાં આવે.જામીન અરજીની
સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, બેસણાની વિધિમાં
પરિવારના અન્ય સભ્યો હાજર રહી શકે તેમ છે. વધુમાં, બાળકના
એડમીશનના ડોક્યુમેન્ટ્સ આરોપીની પત્ની પણ કઢાવી શકે તેમ છે, જેથી
આરોપીની પ્રત્યક્ષ હાજરીની કોઈ જ જરૃરિયાત જણાતી નથી.
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ન્યાયાધીશે અરજદાર પંકજ રાઠોડની
જામીન અરજી નામંજૂર કરતા ચૂકાદામાં નોંધ્યું હતું કે, અરજદારે
જણાવેલા કારણો યોગ્ય અને ન્યાયિક જણાતા નથી. આરોપી અગાઉ ૧૫ માર્ચ ૨૦૨૬ સુધી
વચગાળાના જામીન પર મુક્ત હતો, ત્યારે પણ તે બાળકના એડમીશનના
દસ્તાવેજો કઢાવી શક્યો હોત, પરંતુ તે સમયે કોઈ કામગીરી
કરવામાં આવી નહોતી. આ સંજોગોમાં માત્ર માનવતાના ધોરણે જે કારણો રજૂ કરાયા છે તે
જામીન આપવા માટે પૂરતા નથી.















