![]()
વડોદરાઃ વડોદરા આરટીઓને આજે ધમકીનો મેઇલ મળતાં પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી ગયા હતા.ત્રણ કલાકની તપાસ બાદ કાંઇ હાથ નહિ લાગતાં તંત્રઅ હાશકારો અનુભવ્યો હતો.
વડોદરા આરટીઓનું આજે સવારે રાબેતા મુજબનું કામકાજ શરૃ થયું તે દરમિયાન મેઇલ ચેક કરતાં પરોઢિયે ૪.૧૩ વાગે કીરૃથાગા ઉદયનિધિ..ના નામના હોટ મેઇલ પરથી બોમ્બની ધમકી આપતો મેઇલ જોવા મળ્યો હતો.મેઇલમાં સવારે ૧૧.૫૦ વાગે આરટીઓમાં ઝેરી ગેસના ૧૩ બોમ્બ ફૂટશે.. તેવી ધમકી આપવામાં આવી હતી.
આરટીઓ ઇન્સ્પેક્ટર સ્મિત સુથારે આ બાબતે પોલીસને જાણ કરતાં હરણીના પીઆઇ એસવી વસાવા અને ટીમ પહોંચ્યા હતા.આખી કચેરી ખાલી કરાવી બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી ત્રણ કલાક સુધી ચેકિંગ કરાવ્યા બાદ કાંઇ હાથ નહિ લાગતાં સૌને હાશ થઇ હતી.હરણી પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.જેની તપાસમાં સાયબર સેલની ટીમ પણ જોડાઇ છે.
ધમકીના બેડઝન જેટલા મેઇલની તપાસમાં સાયબર સેલને કાંઇ મળ્યું નથી
વડોદરામાં વારંવાર મળી રહેલા ધમકીના ઇમેલમાં સાયબર સેલને ધારી સફળતા મળતી નથી.
શહેરમાં અગાઉ સ્કૂલ સહિતના શૈક્ષણિક સંકુલ,કોર્ટ,હોટલ,કલેક્ટર કચેરી,એરપોર્ટ, જાહેર સાહસ જેવા સ્થળોને ધમકી આપતા બે ડઝન થી વધુ મેઇલ મળ્યા હતા.જેમાં સ્થાનિક પોલીસની સાથે સાયબર સેલ પણ તપાસ કરી રહી છે.
જો કે,આ પૈકીના બે સ્કૂલમાં મેઇલ મોકલનાર બે સગીર વિદ્યાર્થીઓ હાથમાં આવ્યા હતા.પરંતુ બહારના મેઇલ મોકલનારા સુધી પોલીસ હજી પહોંચી શકી નથી.















