![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક વાગતાં ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી અટકી ઘટાડો જોવા મળતાં તેની પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં ઝવેરી બજારમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઘટતો અટકી તળિયેથી ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજાર પર નેગેટીવ પડી હતી.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તૂટી ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૭૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના ઝડપી રૂ.૧૦ હજાર તૂટી રૂ.૩૧૦૦૦૦ બોલાયા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના આજે ઝડપી રૂ.૧૯થી ૨૦ હજાર ગબડયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૮૬૪થી ૪૮૬૬૫ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૪૭૭૨ થઈ ૪૮૧૯થી ૪૮૨૦ ડોલર રહ્યા હતા. ગ્રીનલેન્ડ પ્રશ્ને અમેરિકાના પ્રમુખે હળવું વલણ દર્શાવતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલ ઘટતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજચારમાં ચાંદીના ભાવ ઔંસના ૯૫.૧૩થી ૯૫.૧૪ વાળા ઘટી નીચામાં ભાવ ૯૦.૮૬ સુધી ઉતરી ફરી વધી ૯૩.૨૩થી ૯૩.૨૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૧૯૦૯૭ વાળા ગબડી રૂ.૩ લાખની અંદર ઉતરી રૂ.૨૯૯૭૧૧ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૧૫૦૫૨૩ તથા ૯૯૯ના રૂ.૧૫૧૧૨૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથે ના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના વધી ૨૫૦૦ ડોલર કુદાવી ઉંચામાં ભાવ ૨૫૧૭ થઈ ૨૫૦૨થી ૨૫૦૩ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૮૦૨૯૦ વાળા વધુ વધી રૂ.૮૨૩૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના જો કે ઘટી ૧૮૫૨થી ૧૮૫૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૪૯ ટકા ઘટયા હતા.બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૫.૩૮ તથા નીચામાં ભાવ ૬૪.૦૭ થઈ ૬૪.૨૪ ડોલર રહ્યા હતા.
















