![]()
Surat BJP : સુરત પાલિકાની ચુંટણી માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા દરમિયાન જ ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર સામાન્ય કાર્યકરો માટે જ છે અને દેખાડા પુરતો હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. આ પહેલા ભાજપનું સંગઠન જાહેર થયું ત્યારે તેમાં સ્થાન મેળવવા કેટલાક કાર્યકરોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. સંગઠનમાં કેટલાક વિવાદીને પણ સ્થાન આપી દેવાયું છે તેઓમાંથી હવે કેટલાક તો સંગઠનનો હોદ્દા સાથે જ પાલિકાની ટીકીટની માંગણી કરી દીધી છે જે ભાજપના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંગઠનના હોદ્દેદારો એ જ ટિકિટ માંગતા શિસ્તબધ્ધ પક્ષની શિસ્ત સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સુરત શહેર પ્રમુખની નિમણુંકના 10 મહિના બાદ શહેર સંગઠનની જાહેરાત કરવામાં આવી છે તેમાં સ્થાન મેળવવા માટે કેટલાક વિવાદી કાર્યકરોએ લોબીંગ કરીને સ્થાન મેળવી લીધું છે અને તેમના નામે કેટલાક વિવાદ પણ બહાર આવ્યા છે. જોકે, આ વિવાદને બાજુએ રાખીને શહેર ભાજપે સંગઠનમાં યથાવત રાખ્યા છે. આ વિવાદ શાંત થાય તે પહેલાં પાલિકાની ચુંટણી માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં 120 બેઠક માટે બે હજારથી વધુએ દાવેદારી કરી છે તેમાં શહેર ભાજપના સંગઠનમાં હોદ્દો મેળવનારાઓનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય રીતે ભાજપ એક વ્યક્તિ એક હોદ્દાની વાત કરવામાં આવે છે પરંતુ ભાજપમાં આ વાત માત્ર કાગળ પર જ જોવા મળે છે. હાલ કોર્પોરેટરની ટિકિટ મેળવવા માટે પુર્વ કોર્પોરેટર, આપમાંથી આવેલા કોર્પોરેટર, અન્ય પક્ષમાંથી આવેલા અને ભાજપના જુના કાર્યકરોનો સમાવેશ થાય છે. જોકે, શહેર ભાજપના હોદ્દેદારો ટીકીટ માટે દાવેદારી કરી તેના કારણે વિવાદ ઉભો થયો છે.
ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તે પહેલાં સંગઠનના હોદ્દેદારોએ ટીકીટ માંગી તે ચર્ચાનો વિષય બન્યો છે. ટીકીટ માંગનારા હોદ્દેદારોમાં શહેર ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ગાયત્રીશ્વ, યુવ ભાજપ પ્રમુખ બિપિન તલાવીયા, મહામંત્રી હર્ષ મહેતા, અનુસૂચિત જાતિ પ્રમુખ ચંપક પરમાર, લઘુમતી મોરચા પ્રમુખ ઇમરાન મેમણ, ઓબીસી મોરચાના પ્રમુખ વિજય ભાટીયા દ્વારા વોર્ડ નં.01માં ઓબીસી કેટેગરીની અનામત બેઠક પર દાવેદારી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારીના કેટલાક સભ્યોએ પણ ટીકીટ માંગી છે તે કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાલિકાની ગત ચૂંટણીમાં મહામંત્રી લલીત વેકરીયાએ ટીકીટ માંગી હતી અને તેઓ ચૂંટણી લડ્યા હતા જોકે, તેમણે મહામંત્રી તરીકેથી રાજીનામું આપી કતારગામમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ હારી જતા તેઓના બાવાના બેવ બગડ્યા તેવો ઘાટ થયો છે. જોકે, હાલ હોદ્દેદારોએ ટીકીટ માંગી છે તેના કારણે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.















