![]()
– ભાવનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારના નામ નક્કી કરવા આજે બેઠક
– 60 વર્ષની વય, 3 ટર્મ, અનામત, વિવાદ વગેરેના કારણોસર પૂર્વ નગરસેવકોની ટિકિટ કપાય તેવી શકયતા
ભાવનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ભાવનગર મનપાની ચૂંટણીમાં ભાજપના કેટલાક પૂર્વ નગરસેવકોની ટિકિટ કપાય તેવી ચર્ચા ચાલી રહી છે. ટિકિટ કપાવવાના જુદા જુદા કારણ હોવાનુ જણાય રહ્યુ છે. આવતીકાલે બુધવારે મનપાની ચૂંટણી માટે ઉમેદવારના નામ નક્કી કરવા ભાજપની બેઠક મળશે.
ભાવનગર મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં ભાજપનો પર બેઠકમાંથી ૪૪ પર વિજય થયો હતો તેથી હાલની મહાપાલિકાની ચૂંટણી લડવા પૂર્વ નગરસેવકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ ૧પ જેટલા પૂર્વ નગરસેવકોની ટિકિટ કપાય તેવી શકયતા છે અને કદાચ સંખ્યા વધે તો પણ નવાઈ નહીં તેમ ભાજપ કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે. મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ કપાવવા પાછળ ૬૦ વર્ષની વય મર્યાદા, ત્રણ ટર્મ ચૂંટણી લડયા હોય તેવા ઉમેદવારને ટિકિટ નહીં, ભાજપ સંગઠનમાં સ્થાન ધરાવતા સભ્યને ટિકિટ નહીં વગેરે કારણો ઉપરાંત કેટલાક વોર્ડમાં અનામત બેઠક આવી હોવાથી, અગાઉ નગરસેવકો કોઈ વિવાદમાં આવ્યા હોય વગેરે કારણોનો પણ સમાવેશ થાય છે.
કેટલાક પુરૂષ અને કેટલાક મહિલા નગરસેવકની ટિકિટ કપાશે તે નક્કી હોવાનુ કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે પરંતુ ટિકિટ મેળવવા માટે હાલ પૂર્વ નગરસેવકો મહેનત કરી રહ્યા છે. મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક મળવાની છે, જેમાં સાંસદ, ધારાસભ્યો, શહેર સંગઠન પ્રમુખ, મહામંત્રી વગેરે હાજર રહેશે તેમ સુત્રોએ જણાવેલ છે. ૪૪ માંથી કેટલા પૂર્વ નગરસેવકોને ટિકિટ મળે છે અને કેટલાની ટિકિટ કપાશે ? તેની રાહ જોવી જ રહી.
મનપાની ચૂંટણી માટે ટિકિટ મેળવવા ભલામણનો દૌર યથાવત
ભાવનગર મનપાની ચૂંટણી માટે ટિકિટ મેળવવા ભાજપના પૂર્વ નગરસેવકો, ભાજપ કાર્યકરો વગેરેએ દાવેદારી કરી છે અને ટિકિટ મેળવવા માટે ભલામણનો દૌર કેટલાક દિવસથી શરૂ છે. સાંસદ, ધારાસભ્યો, સંગઠનના નેતા, નેતાની નજીક હોય તેવા વ્યકિતઓને ટિકિટ માટે ભલામણો કરવામાં આવી રહી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. ભાજપના મોટા નેતાઓ પણ પોતાના માનીતાઓને ટિકિટ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. નેતાઓના માનીતા કેટલાક પૂર્વ નગરસેવકો, કાર્યકરોને ટિકિટ મળશે તેના નામો પણ ચર્ચાય રહ્યા છે.















