![]()
અમદાવાદ,મંગળવાર,7
એપ્રિલ,2026
વિસ્તાર અને મતદારોની દ્રષ્ટિએ અમદાવાદના નિકોલ વોર્ડમાં
આવેલી કઠવાડા જી.આઈ.ડી.સી.નો રોડ નંબર-પાંચ દિવાલ બનાવી ચાર મહિનાથી બંધ કરી દેવાતા નાના-મોટા સાત હજાર
ઔદ્યોગિક એકમો ઉપર અસર જોવા મળી રહી છે. રોડ બંધ થવાથી આ એકમોમા કામ કરી રહેલા
કારીગરોને બેથી લઈ પાંચ કિલોમીટર ફરીને આવવુ પડતુ હોવાથી કારીગરો કામ ઉપર આવતા
નથી. દસ હજારથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના રહીશોએ જો આ બંધ રોડ તાકીદે ખોલવામા નહીં આવે તો મ્યુનિ.ચૂંટણીમાં ભાજપ
વિરૃદ્ધ મતદાન કરવા અંગેના બેનર પણ લગાવ્યા છે.
નેશનલ હાઈવે સાથે સીધી કનેકટિવિટી ધરાવતા રોડ નંબર-પાંચને
કઠવાડા જી.આઈ.ડી.સી.દ્વારા બંધ કરવાની સાથે દિવાલ બનાવી દેવામા આવી છે.રોડ બંધ
થવાથી વેપાર-ધંધા ઉપર તેની અસર જોવા મળી રહી છે. સ્થાનિક રહીશના કહેવા મુજબ, રોડ બંધ કરવા
મુદ્દે રાજય સરકાર સુધી રહીશોની સહી સાથે લેખિત રજૂઆત કરવામા આવી છે. આ વિસ્તારમા
આવેલી હાઉસીંગ સોસાયટીઓમાં અંદાજે દસ હજાર લોકો રહે છે તેમની મુશ્કેલી પણ વધી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શ્રમિકો આ વિસ્તારમાં કામ ઉપર આવી
શકે એ માટે રુટ નંબર-૧૧૦ની બસ દોડાવવામા આવતી હતી.આ બસ પણ ઘણાં સમયથી બંધ કરી
દેવામા આવી છે.સામાન્ય પ્રજાથી લઈ વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરોએ પણ ફરજિયાતપણે પાંચ
કિલોમીટર લાંબો ફેરો ખાવો પડે છે.નિકોલ રીંગ રોડ તરફનો રોડ બંધ કરી દેવામા આવતા
૧૦૮ જેવા ઈમરજન્સી વાહનોને પણ સમયસર
પહોંચવામા તકલીફ પડી રહી છે. લોકોનુ કહેવુ છે કે,કઠવાડા જી.આઈ.ડી.સી.માં ચાલતા અંદાજે પાંચસો જેટલા એકમો
માટે થઈને હજારો એકમો અને હજારો લોકોની પ્રાથમિક સુવિધા છીનવી લેવામા આવી છે.જે
કારણથી ભાજપ વિરુધ્ધ મતદાન કરવા નિર્ણય કરવામા આવ્યો છે.















