Stock Market Surge: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બુધવારનો દિવસ અત્યંત શાનદાર સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ અંતે 2946 પોઈન્ટના જંગી ઉછાળા સાથે 77,562 પર બંધ થયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 873 પોઈન્ટ ઉછળીને 24,000ની સપાટીની ખૂબ જ નજીક 23,997.35 પર બંધ રહ્યો હતો. બજારમાં દિવસભર રહેલી આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં અંદાજે 16 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામથી બજારમાં ઉછાળો
બજારમાં જોવા મળેલી આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક કારણો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચાર આવતા જ માત્ર ભારતીય જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. યુદ્ધ શાંત થવાની આશાએ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ ઘટાડો થયો અને તે પ્રતિ બેરલ 95 ડૉલરની આસપાસ આવી ગયું છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયાની મજબૂતીએ પણ શેરબજારને ટેકો આપ્યો હતો. આ તેજીના કારણે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 4,45,57,571.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
ચારેતરફ લેવાલીનો માહોલ
બજારના ‘હીરો’ સાબિત થયેલા શેરની વાત કરીએ તો, અદાણી ગ્રીન 11% અને અશોક લેલેન્ડ 12.65%ના ઉછાળા સાથે મોખરે રહ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિગો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રિલાયન્સ અને બજાજ ફાઈનાન્સ જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. મારુતિ, એચડીએફસી બેન્ક અને અદાણી પોર્ટ્સ જેવા શેર પણ રોકેટની ગતિએ ભાગ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓમાં પણ ખરીદીનો માહોલ રહેતા રોકાણકારોએ ધૂમ કમાણી કરી હતી.
















