![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરતાં માત્ર બે જ મહિલા સદસ્ય રિપિટ થયા છે.જ્યારે મોટા ભાગનાની બેઠકો બદલાઇ ગઇ છે અને બાકીનાને કાપી નાંખવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાની ભાદરવા બેઠક સામાન્ય હતી.પરંતુ ત્યાં તેમના પતિની જગ્યાએ આકાશસિંહને ટિકિટ અપાઇ છે.આવી જ રીતે ઉપપ્રમુખ અશ્વિન વકીલની જગ્યાએ તેના પુત્ર હર્ષિલને સિમળીયા બેઠક પર ટિકિટ અપાઇ છે.
ડેસરના મનિષાબેન દલપતભાઇ પરમાર અને શેરખી ના હર્ષાબેન હિતેન્દ્રસિંહ પરમારને રિપિટ કરવામાં આવ્યા છે.જ્યારે, મોભા બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુધાબેન પરમાર અને વિપક્ષીનેતા કમલેશ પરમારના ભત્રીજા રાજવીર આનંદભાઇને ટિકિટ મળી છે.
સોખડા બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ફરી કોંગ્રેસમાં જોડાઇ એક જ દિવસમાં ફરીથી ભાજપમાં જોડાઇ ગયેલા કિરણભાઇ રાઠોડના પત્ની હેમાબેનને તેમજ યુટયુબર તરીકે ઓળખાતા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારને પોર બેઠક પર ટિકિટ અપાઇ છે.આવી જ રીતે તાલુકા પંચાયતના બીરેન ઘનશ્યામભાઇ પટેલને અનગઢ બેઠક પર તેમજ ચોકારી બેઠક પર પૂર્વ સદસ્ય ગણપતસિંહ જાદવના પુત્ર મુકેશને ટિકિટ અપાઇ છે.















