![]()
રાજકોટ મહાપાલિકામાં સત્તાનો પૂરેપૂરો ભોગવટો કરીને : નો-રિપિટ થિયરી, મામકાવાદ-જૂથવાદ નહીં, વર્ષોથી રાહ જોનારાને તક : મેયર-ચેરમેન બનેલાને ટિકીટ નહીં જેવા આદર્શો બદલાઈ શકે
રાજકોટ, : ભાજપમાં એક તરફ સાદગીપૂર્ણ જીવનશૈલી સાથે સમાજમાં સક્રિય કાર્યકરો છે અને બીજી તરફ પક્ષમાં વર્ચસ્વ સ્થાપીને આમ નાગરિક તરીકે રાજકારણમાં આવીને પછી કરોડો-અબજોમાં આળોટતા નેતાાઓ છે. ભૂતકાળમાં પદ મળ્યો તેનો પૂરો ઉપયોગ પક્ષ અને પ્રજા કરતા પોતાના માટે વધુ કરનારા નેતાઓ હવે પૈસાદાર અને પાવરફૂલ થયા છે જેમના પત્તા કપાવાની વાતે પક્ષમાં ભારે ધમાસાણ મચ્યું છે અને જે રીતે પાર્ટી ઉપર ટિકીટ માટે જાતજાતની દલીલો સાથે તીવ્ર દબાણ થઈ રહ્યું છે તે જોતા ભાજપના ધોરણો બદલાય તેવી શક્યતા સર્જાઈ છે.
રાજકોટ મનપામાં મેયર,ચેરમેન બની ચૂકેલા સહિત નેતાઓના નામો પણ ફાઈનલ થઈ ગયાની ચર્ચાએ જોર પકડયું હતું જો કે સત્તાવાર યાદી આજે રાત્રિ સુધી જાહેર કરાઈ નથી. અનેક વગદાર અને પૈસાદાર પૂર્વ પદાધિકારીઓએ પોતે નહીં તો પોતાનાના નામ પક્ષમાં ભારપૂર્વક રજૂ કર્યા છે.પક્ષના કેટલાક મોવડીઓ સાથે આ નેતાઓ ઘનીષ્ઠ સંબંધો ધરાવે છે.
આ સ્થિતિમાં ભાજપની યાદી જાહેર થાય તેમાં (1) નો-રિપિટ થિયરીને અમુક વગદારો માટે પડતી મુકાય (2) મામકાવાદ અર્થાત્ પદ ભોગવનારાના પરિવારના સભ્યને પણ ટિકીટ અપાય કે નેતાના માનીતાને ટિકીટ અપાય (3) 5 વર્ષમાં પ્રજાની સુવિધામાં નિષ્ફળ પણ પોતાના આર્થિક-રાજકીય વિકાસમાં સફળ નેતાઓને પણ ટિકીટ મળે, કરોડોના કાંડમાં જેના સામે આંગળી ચિંધાઈ હોય તે પણ લેટ ગો કરાય (4) ઈ. 205થી 2025 સુધીના 20 વર્ષમાં મેયર, ડે.મેયર ઉપરાંત સ્થાયી સમિતિ ચેરમેન જેવું મલાઈદાર પદ ભોગવ્યું હોય તેને જ ફરી ટિકીટ આપી અન્ય સમર્પિત,શિક્ષિત કાર્યકરની અવગણના થાય (5) પક્ષના નામે જીત મળી હોવા છતાં ફલાણા નેતાથી જીત મળતી હોય તેવું ચિત્ર ઉપસાવી ટિકીટ અપાય….આવી અનેક શક્યતા જોવાય છે.















