![]()
જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી સાથ બ્લોક થયેલું GST એકાઉન્ટ પુનઃ ચાલુ કરાવી દેવાના બહાને રકમ મેળવી વાપરી નાખી : બન્ને એક દિવસના રિમાન્ડ પર
જામનગર, : જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી સાથે બ્લોક થઇ ગયેલું GST એકાઉન્ટ ફરી ચાલુ કરાવવાના બહાને રૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બન્નેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
જામનગરમાં બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી ભાવેશભાઈ તરાવિયાનું જી.એસ.ટી. એકાઉન્ટ તાજેતરમાં જી.એસ.ટી. વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ ફરીથી કાર્યરત કરાવવા માટે તેમણે જગદીશભાઈ રામોલીયાનો સંપર્ક કર્યો હતો. જગદીશ રામોલીયાએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રભારી પ્રકાશભાઈ દોંગાની ઓળખ એક વકીલ તરીકે કરાવી હતી. જી.એસ.ટી.ની કાયદાકીય ગૂંચ ઉકેલવા અને ટેક્સ ભરવાના બહાને બન્ને આરોપીઓએ વેપારી પાસેથી ઓક્ટોબર મહિનામાં રૂપિયા ૬૦ લાખ મેળવ્યા હતા.
વેપારીએ જી.એસ.ટી. એકાઉન્ટમાં ભરવા માટે આપેલા લાખો રૂપિયા અને પ્રોસેસિંગ ફી ચૂકવવા છતાં આરોપીઓએ આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી નહોતી. તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓએ આ રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી. લાંબા સમય સુધી રકમ પરત ન મળતા અને એકાઉન્ટ ચાલુ ન થતા, વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. વેપારીની ફરિયાદના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આપના નેતા પ્રકાશ દોંગા અને જગદીશ રામોલીયાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસના હેતુ માટે કોર્ટ પાસે રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.















