![]()
Vadodara Fraud Case : વડોદરામાં કલાલીના બ્લુ બેલ વીસેનજા હાઈડેકમાં રહેતા ગેસ્ટ્રો સર્જન ડોક્ટર મેહુલ દશરથભાઈ અગ્રાવતે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ઓક્ટોબર 20021માં ભારત પાકિસ્તાનની 20-20 વર્લ્ડ કપ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હતી. જેથી અમારા ડોક્ટર ગ્રુપના મિત્રો સાથે અમે દુબઈ મેચ જોવા ગયા હતા અને મારો મિત્ર કેતન પટેલ યુએસથી આવ્યો હતો. અમે દુબઈ હયાત હોટલ પર રોકાયા હતા. ત્યાં કેતનભાઇ પટેલને રાજીવભાઈ હસમુખભાઈ પારેખ મળવા આવ્યા હતા. રાજીવભાઈએ કહ્યું હતું કે હું પણ દુબઈ ટુરીઝમનું કામ કરું છું અને દુબઇ અવારનવાર આવ્યા કરું છું. ત્યારબાદ અવાર-નવાર અમારી વચ્ચે વાતચીત થતી હતી. તેમને જણાવ્યું હતું કે ફતેગંજ સેફ્રોન ટાવરમાં ફ્લાઈ 24 ટુરિઝમ નામની ઓફિસ છે અને ઓફિસ પર મારો દીકરો આર્યન પારેખ બેસે છે.
મારા દીકરા અમન દુબઈ ખાતે એમએસસી સાયકોલોજીની ઇન્ટર્નશીપ કરતો હતો. મારે દીકરાને મળવા તથા ફરવા દુબઈ જવું હોવાથી રાજીવભાઈનો સંપર્ક કર્યો હતો. રાજુભાઈ હોટલ સાઈટ સીન તથા સ્કાય ડાઈવના મળીને 2.78 લાખનું કોટેશન મોકલ્યું હતું. 19-12-2025 ના રોજ દુબઈ ગયો હતો પરંતુ રાજીવભાઈએ બતાવેલી હોટલમાં મારું કોઈ બુકિંગ હોતું નથી. જેથી મેં તેઓને કહેતા તેવો હોટલ પર આવ્યા હતા અને મારી સાથે કંપની ચીટીંગ કર્યું છે તેથી તેઓએ હમણાં મને પૈસા આપો તેમ કહીં મારી પાસેથી પૈસા લઈ હોટલ બુકિંગ કરાવ્યું હતું. ત્યારબાદ પિતા પુત્રના ફોન બંધ આવતા મેં મારી રીતે વ્યવસ્થા કરીને ફરીને પરત વડોદરા આવ્યો હતો. ત્યારબાદ તેઓનો સંપર્ક કરતા થોડા દિવસમાં પૈસા આપી દેવાનું જણાવ્યું હતું. આરોપીઓએ ફતેગંજ સેફ્રોન ટાવરમાં પોતાની દુકાન હોવાનું જણાવવું હોય અને ત્યાં તપાસ કરવા જતા એવી કોઈ ઓફિસ ન હતી પરંતુ ત્યાં ઝેરોક્ષની દુકાન હતી.















