અમદાવાદ,સોમવાર
શહેરના નારણપુરામાં રહેતા એનઆઇઆર દંપતિનું નામ હથિયાર કૌભાંડમાં આવ્યું હોવાનું તેમજ આધાર કાર્ડથી ખોલાવેલા બેંક એકાઉન્ટમાંથી ટેરર ફંડ મેનેજ થયાનું કહીને ડરાવ્યા બાદ ૩૩ લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
નારણપુરામાં આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં ૭૮ વર્ષીય ચારૂલતાબેન તેમના પતિ બળદેવભાઇ રાવલ સાથે રહે છે. ચારૂલતાબેન નિવૃત શિક્ષક હતા અને હાલ અમેરિકાના સિટીઝન પણ છે. ૧૧ દિવસ પહેલા તેમને અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ એટીએસના અધિકારી તરીકે આપીને જણાવ્યું હતું કે આશીફ નામના વ્યક્તિના ફાર્મ હાઉસમાં દરોડો પાડીને હથિયારો, રોકડ અને આધાર કાર્ડનો મોટો જથ્થો મળ્યો છે. જેમાં તમારા પતિ બળદેવભાઇનું આધાર કાર્ડ મળ્યું છે. સાથેસાથે તમારા પતિના આધાર કાર્ડથી ખોલવામાં આવેલા એકાઉન્ટમાંથી મની લોન્ડરીંગ અને ટેરર ફંડ મેનેજ થયેલું છે. જેથી તમે પતિ પત્ની શંકાના દાયરામાં છો.. માટે તમારે દર ત્રણ કલાકે વિડીયો કોલથી સંપર્કમાં રહેવું પડશે. સાથેસાથે આધાર કાર્ડની અને તમામ રોકાણની વિગતો માંગી હતી.
બાદમાં જણાવ્યું હતું કે તમારા નાણાં કાયદેસરના છે કે નહી? તે તપાસવા માટે રિઝર્વ બેંકની મંજૂરીથી લેવામાં આવશે. આ માટે તમારે નાણાં મોકલી આપવાના રહેશે. જેથી ડરીને ચારૂલતાબેન અને તેમના પતિએ બચતના ૩૩ લાખ રૂપિયા આરટીજીએસથી મોકલી આપ્યા હતા.
જો કે તે પછી ચારૂલતાબેનને શંકા જતા તેમણે એક પરિચિતને જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.















