![]()
India-US Trade Deal 2026 : ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ અને ટૅરિફ મુદ્દે આગામી સપ્તાહે વોશિંગ્ટન પહોંચીને અમેરિકન નેતાઓ સાથે બેઠક કરશે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સકારાત્મક વાતચીત થયા બાદ આ નિર્ણય લેવાયો છે.
ભારતીય પ્રતિનિધિમંડળ 20 એપ્રિલે અમેરિકા પહોંચશે
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય પ્રતિનિધિમંડળ 20થી 22 એપ્રિલ દરમિયાન અમેરિકા જવાનું છે. આ દરમિયાન બંને દેશો ટ્રેડ ડીલ અને ટૅરિફ સંબંધી ગૂંચવાયેલા મુદ્દાઓનો નિવેડો લાવવા પર અને સમજૂતીને અંતિમ રૂપ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. ટ્રેડ ડીલને લઈને બંને દેશો વચ્ચે અનેક બેઠકો યોજાઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણાયક નિર્ણય લેવાયો નથી.
આ પણ વાંચો : CBSE ધોરણ-10નું પરિણામ જાહેર : 93.6% વિદ્યાર્થીઓ સફળ, દીકરીઓએ મેદાન માર્યું
ગઈકાલે PM મોદી અને-ટ્રમ્પ વચ્ચે થઈ હતી સકારાત્મક વાતચીત
ગઈકાલે (14 એપ્રિલે) વડાપ્રધાન મોદી (PM Narendra Modi) અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ (US President Donald Trump) વચ્ચે 40 મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત થઈ હતી. અમેરિકા-ઈરાન વચ્ચે બે સપ્તાહનું યુદ્ધવિરામ જાહેર કર્યા બાદ અને ઈસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ ગયા બાદ બંને નેતાઓ વચ્ચે પહેલીવાર આ વાતચીત થઈ હતી. ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે બંને નેતાઓઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ હોવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચે ટ્રેડ ડીલ સહિત અનેક મહત્ત્વના ક્ષેત્રો પર ચર્ચા થઈ છે.
મોદી-ટ્રમ્પે મધ્ય-પૂર્વની સ્થિતિ અંગે પણ કરી ચર્ચા
અમેરિકન રાજદૂતે સંકેત આપ્યા છે કે, આગામી દિવસોમાં ભારત-અમેરિકા વચ્ચે ઊર્જા સહિત અનેક મોટા સમજૂતી થઈ શકે છે. વડાપ્રધાન મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરીને ટ્રમ્પ સાથે વાતચીત કરી હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે, ‘મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો. અમે દ્વિપક્ષીય સંબંધો હેઠળ વિવિધ સેક્ટરોમાં થયેલી મહત્ત્વની પ્રગતિ પર સમીક્ષા કરી છે. અમે તમામ સેક્ટરોમાં વ્યાપક અને વૈશ્વિક ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મધ્ય-પૂર્વની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવા અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ચર્ચા કરી હતી.’
આ પણ વાંચો : બિહારની નવી સરકારમાં વિભાગોની વહેંચણી, સમ્રાટ ચૌધરી પાસે 29 વિભાગ રહેશે, જુઓ સમગ્ર યાદી















