![]()
મુંબઈ : છેલ્લા સાડાત્રણ કરતા વધુ વર્ષમાં ગોલ્ડ લોનમાં જોરદાર વધારો થયો છે જેને કારણે ગોલ્ડ લોન ભારતમાં હાઉસિંગ લોન બાદ બીજુ મોટું રિટેલ ક્રેડિટ પ્રોડકટ તરીકે ઊભરી આવ્યું છે. માર્ચ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૫ના ગાળા દરમિયાન ગોલ્ડ લોન બેલેન્સ (બાકી રકમ)માં ૩.૮૦ ગણો વધારો થયો છે જેને પરિણામે દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં તેનો હિસ્સો ૫.૯૦ ટકા પરથી વધી ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૧૧.૧૦ ટકા પર પહોંચી ગયો છે.
ગોલ્ડ લોન સિક્યુર્ડ ક્રેડિટનું સંગઠીત અને સરળ ધિરાણ બની રહ્યું હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. મજબૂત ક્રેડિટ પ્રોફાઈલ્સ સાથેના બોરોઅરો પણ ગોલ્ડ લોન તરફ વળી રહ્યા છે.
અગાઉ તાકીદની જરૂરિયાત માટે સોના સામે લોન લેવાની માનસિકતા હતી પરંતુ હવે મોજશોખ, ભણતર જેવા વિવિધ કારણોસર ગોલ્ડ લોન લેવા તરફ આકર્ષણ વધ્યું છે. સોનાના ઊંચા ભાવને પરિણામે તેની સામે વધુ નાણાં મળતા થયા છે.
સોના સામે લોન પૂરી પાડવામાં જાહેર ક્ષેત્રની બેન્કોનો હિસ્સો જે માર્ચ, ૨૦૨૨માં ૫૭ ટકા હતો તે ડિસેમ્બર, ૨૦૨૫માં વધી ૬૨ ટકા પર પહોંચી ગયો હતો. આજ ગાળામાં એનબીએફસીસનો હિસ્સો ૭ ટકા પરથી વધી ૧૧ ટકા પર આવી ગયો છે.
ખાતા દીઠ બોરોઈંગની માત્રામાં પણ ત્રણ વર્ષના ગાળામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ, ૨૦૨૨માં ખાતા દીઠ ગોલ્ડ લોનનો સરેરાશ આંક જે રૂપિયા ૧.૧૦ લાખ રહ્યો હતો તે ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં વધી રૂપિયા ૧.૯૦ લાખ પહોંચી ગયો હતો.
માત્ર સામાન્ય વર્ગના લોકો જ નહીં પરંતુ નાણાંકીય રીતે સદ્ધર એવા ગ્રાહકો તરફથી પણ ગોલ્ડ લોન માટેની માગ જોવા મળે છે, એમ અન્ય એક બેન્કરે ઉમેર્યું હતું.
રૂપિયા ૨.૫૦ લાખથી વધુની ગોલ્ડ લોન સાથેના બોરોઅરોનો સમયસર હપ્તા નહીં ભરવાની માત્રા નાની રકમના લોનધારકોની સરખામણીએ ૨.૨૦ ગણી વધુ હોવાનું પણ એક રિપોર્ટમાં જણાવાયું હતું.















