Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ હવે માત્ર ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટેનો વિકલ્પ નથી રહી, પરંતુ ગુણવત્તાસભર શિક્ષણનું મજબૂત કેન્દ્ર બની રહી છે તેનો જીવંત પુરાવો NMMS પરીક્ષાના પરિણામોમાં જોવા મળ્યો છે. સરકારી શાળા અને સીમિત સંસાધનો છતાં અહીંના વિદ્યાર્થી મેરિટમાં દબદબો જમાવી બતાવ્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનત હોય તો પાલિકા શાળાઓ પણ ટોચના પરિણામ આપી શકે છે.
સુરત સહિત રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે હેતુથી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળે છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન દ્વારા આ યોજના હેઠળ પરીક્ષાના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે. આ NMMS પરીક્ષામાં સુરત જિલ્લાના કુલ ક્વોટા 451 પૈકી સુરત સમિતિની શાળાના 375 વિદ્યાર્થીએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે.
આ પરીક્ષામાં સુરત પાલિકા સંચાલિત તાડવાડી-વરિયાવની શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળાની શ્વેતા કાકલોતરે 167 માર્ક્સ મેળવી દક્ષિણ ગુજરાતમાં નંબર વન પર પહોંચી છે. જોકે, હજી આખા રાજ્યનું પરિણામ સળંગ જાહેર થયું નથી જો તે થાય તો આ વિદ્યાર્થીની ગુજરાતમાં પણ ટોપ થ્રીમાં સ્થાન મેળવી શકે છે. આ ઉપરાંત ધાનાણી ક્રિસંગ રસિકલાલ 164 માર્ક્સ સાથે બીજો નંબરે, મહતો નંદીની કુમારી 163 માર્ક્સ સાથે જિલ્લામાં ત્રીજા નંબરે આવ્યા છે. શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળાના 30 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયા છે તેમાંથી 14 મેરિટમાં આવ્યા છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થી મેરીટમાં આવે તેને ધોરણ 9 થી 12 સુધી એમ ચાર વર્ષ દર વર્ષે 12000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તે ચાર વર્ષ સુધી મળે છે એટલે આ ચાર વર્ષ દરમિયાન આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને 48 હજાર જેટલી શિષ્યવૃત્તિ મળે છે તે તેમના અભ્યાસ માટે ઘણી જ ઉપયોગી બની રહે છે.

પાલિકાની વરીયાવ શાળાના પરિણામ માટે શિક્ષિકા-આચાર્યનું આયોજન
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા કેટલાક વખતથી શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે. સમિતિની શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરતા હોય આવા બાળકોને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ મળે તે માટે શિક્ષકો-આચાર્ય દ્વારા ખાસ આયોજન કરવામા આવે છે. જેના કારણે આ પ્રકારની પરીક્ષાનું પરિણામ સતત સુધરતું જોવા મળી રહ્યું છે.
વરીયાવની શાળા ક્રમાંક 315 શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માટે તમામ શિક્ષિકાઓ છે. તેઓ પોતાના ઘર સાથે જોબ કરે છે તેમ છતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે તે માટે રોજ એક કલાક વધુ શાળાના વિદ્યાર્થીઓને આપે છે જેના પરિણામે દર વર્ષે 12 થી 15 વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે અને અને તેમને ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળી રહી છે. શાળાના આચાર્ય મીનાક્ષી અટોદરીયા કહે છે, અમારી શાળામાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે તે માટે મહિલા શિક્ષિકા એ જે મહેનત કરે છે તેના પરિણામે પ્રતિ વર્ષ અમારી શાળાનું પરિણામ સુધરી રહ્યું છે અને વિદ્યાર્થીઓને સીધો ફાયદો થઈ રહ્યો છે.















