![]()
વડોદરાઃ એક વર્ષમાં બે વખત પીએચડીના વિદ્યાર્થીઓને એડમિશન આપવાની નીતિ અમલમાં મૂકવાથી એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.
વર્તમાન શૈક્ષણિક વર્ષમાં પહેલા તબક્કામાં યુનિવર્સિટીમાં ૨૦૫ અને તાજેતરમાં હાથ ધરાયેલી બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં ૧૦૩ વિદ્યાર્થીઓએ પીએચડી માટે પ્રવેશ લીધો છે.આમ વર્તમાન વર્ષમાં યુનિવર્સિટીએ ૩૦૮ વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ આપ્યો છે.તેની સામે ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૨૧૫ વિદ્યાર્થીઓના પીએચડી માટે એડમિશન થયા હતા.આમ એક જ વર્ષમાં પીએચડી માટે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.યુનિવર્સિટીએ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષમાં પણ બે તબક્કામાં પીએચડીના પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં યુજીસી દ્વારા યુનિવર્સિટીઓને વર્ષમાં બે વખત પીએચડીની એડમિશન પ્રક્રિયા કરવા માટે છૂટ અપાઈ હતી.જોકે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ બે વર્ષ પછી તેના પર અમલ કર્યો છે.વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેનું કહેવું છે કે, પીએચડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી રિસર્ચ સિસ્ટમ મજબૂત થશે.પીએચડી ગાઈડ તરીકે કામ કરતા અધ્યાપકોને પણ વિદ્યાર્થીઓ વગર ખાલી બેસી રહેવું નહીં પડે.પીએચડીના વિદ્યાર્થીઓની કામગીરીનું સતત મૂલ્યાંકન થતું રહેશે.
ઉલ્લેખનીય છે કે, આખા ગુજરાતમાં સૌથી વધારે ૧૧૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરી રહ્યા છે.















