![]()
શહેર-જિલ્લાના ૯ કેન્દ્ર પર સવારે ૯ કલાકથી મતગણતરી શરૃ થશે
મતગણના માટે ૧૩૦૦ જેટલા સ્ટાફને ડયૂટી, પોલીસનો બંદોબસ્ત રહેશે ઃ બપોર સુધીમાં વિજેતાઓનું ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના
ભાવનગર – ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના જનાદેશની આવતીકાલે ફાઈનલ છે. જીતની આશા રાખતા ઉમેદવારો માટે મંગળવાર મંગળમય બની રહે છે કે અમંગળ બને છે ? તેનું ફાઈનલ ચિત્ર સંભવત્ બપોર સુધીમાં બહાર આવી જશે. લાખો મતદારોએ ઈવીએમમાં આપેલો જનાદેશ બહાર આવ્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પુનરાવર્તનનો પવન ફૂંકાશે કે પરિવર્તનની આંધી ફરી વળશે ? તેના પર લોકોની ઉત્સુકતા સાથે નજર રહેશે.
ભાવનગર જિલ્લામાં મનપા, ૩ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતની ૩૭૬ બેઠક માટે ગઈકાલે રવિવારે સરેરાશ ૬૦ ટકા આસપાસ મતદાન થયું હતું. હવે આવતીકાલ તા.૨૮-૪ને મંગળવારે શહેર-જિલ્લાના ૯ કેન્દ્ર પર સવારે ૯ કલાકથી મતગણતરીનો આરંભ થશે. ઈવીએમમાં કેદ ૧૧૮ ઉમેદવારનું ભાવિ સવારથી ખુલવાનું શરૃ થશે અને મોટાભાગની બેઠકોમાં કયાં પક્ષને કયાં ઉમેદવારને જનતાએ જીતનો હાર પહેરાવ્યો છે ? તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
તમામ મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. ઉમેદવારો અને તેમના એજન્ટો, ડયૂટી સોંપાયેલા કર્મચારી-અધિકારીઓ અને અન્ય અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય કોઈપણ લોકોને મતગણના સ્થળથી ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટે ૧૩૦૦ જેટલા સ્ટાફને ડયૂટી સોંપવામાં આવી છે.
જિ.પં.ના ૬.૫૮ લાખ, મહાપાલિકાના ૨.૫૧ લાખ મતદારોના મતની ગણતરી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૨,૫૧,૩૭૯ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ તમામ મતદારોના મતોની ગણતરી શહેરની ગર્વમેન્ટ એન્જીનિયરીંગ કોલેજમાં ત્રણ-ત્રણ વોર્ડ પ્રમાણે અલગ-અલગ ચાર રૃમમાં કરાશે. તેવી જ રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૬,૫૮,૪૬૪ મતદારોએ મતદાન કર્યું છે. તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ૬,૫૦,૭૩૩ મતદારોનું મતદાન થયું છે. ત્રણ નગરપાલિકામાં ૭૯,૨૫૦ મતદારોએ મતદારોએ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો. કાલે એક એક મતની ગણતરી સાથે પાંચ વર્ષની સત્તા કયાં પક્ષને સોંપવી તેનો નિર્ણય આવતો જશે.















