![]()
Vadodara : પ્રેમ સંબંધ તૂટ્યા બાદ બ્લેકમેલ કરી ફરી સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી અને નર્સિંગમાં અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થીનીની ફરિયાદ મુજબ, વર્ષ 2020માં ઘનશ્યામ સોલંકી (રહે.માંજલપુર) સાથે તેણીનો પ્રેમ સંબંધ હતો, પરંતુ વર્ષ 2024માં ઘનશ્યામની સગાઈ થઈ જતા બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું.
બ્રેકઅપ બાદ ઘનશ્યામ યુવતીના ઘરે આવી બૂમાબૂમ અને ઝઘડા કરતો હતો. આ મામલે વર્ષ 2024માં પોલીસને અરજી આપી હતી, પરંતુ ઘનશ્યામના સંબંધીઓએ બાંહેધરી આપતાં અરજી પરત ખેંચી હતી. આ છતાં ઘનશ્યામનું
વર્તન બદલાયું ન હોતું. વર્ષ 2025માં ઘનશ્યામની સગાઈ તૂટી જતા ફરીથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ, પરંતુ યુવતીએ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન ઘનશ્યામ સતત પીછો કરી પરેશાન કરતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી.
ત્યારબાદ પણ આરોપી વારંવાર ધમકી આપતો હતો કે જો તે તેને મળવા નહીં આવે તો અંગત ફોટા વાયરલ કરી તેનું ભવિષ્ય બરબાદ કરી દેશે. ઘનશ્યામે યુવતીના ઘરે જઈ ગાળો આપી ઝઘડો કર્યો હતો. ઉપરાંત અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન કરી હેરાનગતિ કરતો રહ્યો છે, એમ યુવતીએ ઉમેર્યું છે. પોલીસે આરોપી ઘનશ્યામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.















