![]()
RBI Gold Reserve Report : વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ સહિતના સંકટ વચ્ચે દુનિયાભરમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશો વિદેશોમાં સુરક્ષિત રાખેલું પોતાનું સોનું હવે પોતાના જ દેશમાં પાછું લાવી રહ્યા છે. અત્યાર સુધી લંડન અને ન્યૂયોર્ક જેવા શહેરોની બેંકોમાં સોનું સુરક્ષિત મનાતું હતું, તેને હવે પેક કરીને સ્વદેશી તિજોરીઓમાં પરત લાવવામાં આવી રહ્યું છે, કારણ કે કેટલીક ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભરોસો રાખવો મુશ્કેલ બની ગયો છે.
ભારત પાસે કુલ 880.52 ટન સોનું : RBI
આવા સંકટોને ધ્યાને રાખીને હવે ભારતે ઝડપી કાર્યવાહી કરીને પોતાના સોનાના મોટા હિસ્સાને દેશમાં પરત લાવી રહ્યું છે. RBIના તાજેતરના રિપોર્ટ મુજબ ભારત પાસે કુલ 880.52 ટન સોનું છે, જેમાંથી લગભગ 77 ટકા એટલે કે 680 ટન સોનું હવે દેશની અંદર રાખવામાં આવ્યું છે. જ્યારે 197.67 ટન જેટલું સોનું હજુ પણ બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે.
આ પણ વાંચો : અમેરિકાથી આવશે અબજો ડોલર! 11 મેથી ટેરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ
RBIએ 104.23 ટન સોનું પરત મંગાવ્યું
ભારત વિદેશમાં રાખેલું સોનું ઝડપી પરત લાવી રહ્યું હોવાનું એટલા માટે કહી શકાય કે, માત્ર છેલ્લા છ મહિનામાં જ RBI દ્વારા 104.23 ટન સોનું પરત મંગાવવામાં આવ્યું છે. માર્ચ 2023માં ભારતનું માત્ર 37 ટકા સોનું દેશમાં હતું, જે હવે વધી ગયું છે. આ મોટા ફેરફાર પાછળ રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ પશ્ચિમી દેશો દ્વારા અફઘાનિસ્તાનની સંપત્તિ ફ્રીઝ કરવા જેવી ઘટનાઓ જવાબદાર છે. આવી ઘટનાઓએ કેન્દ્રીય બેંકોને વિચારતી કરી નાખી છે. વિદેશમાં રાખેલું સોનું રાજકીય નિર્ણયોને કારણે ગમે ત્યારે જોખમમાં આવી શકે છે.
દેશનું સોનું દેશ પાસે જ રહેવાથી અનેક ફાયદા
સંકટના સમયે પોતાના દેશની તિજોરીમાં રહેલું સોનું તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય છે જે એક મોટી સુરક્ષા પૂરી પાડે છે. ભારતના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો હવે વધીને 16.7 ટકા થયો છે જે અગાઉ 13.9 ટકા હતો. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારત હવે સોના પર વધુ વિશ્વાસ કરી રહ્યું છે અને તેને પોતાના સીધા નિયંત્રણમાં રાખવા માંગે છે.















