![]()
Delhi Fire : દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ કરૂણ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. માહિતી અનુસાર ઈમારતના બીજા, ત્રીજા અને ચોથા માળે આગની ઘટના બની હતી. આગની ઘટના સમયે 10 થી 15 લોકોને બચાવી લેવામાં સફળતા મળી હતી. આગને કાબુમાં લેવા માટે 12 થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.
કેવી રીતે સર્જાઈ ઘટના?
ફાયર કંટ્રોલ રૂમને રવિવારે સવારે આશરે 3:47 વાગ્યે આગ અંગેની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું મુખ્ય કારણ એસી (AC) બ્લાસ્ટ હોવાનું સામે આવ્યું છે. આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ઘટનાની વધુ તપાસ શરૂ
ઈમારતના કયા માળ કે હિસ્સામાંથી આગની શરૂઆત થઈ તે અંગે અત્યારે સઘન તપાસ ચાલી રહી છે. આગમાં દાઝી ગયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે રાહત કામગીરી હજુ પણ જારી છે.















