![]()
Indian Air Force rescue Siddharthnagar: ઉત્તર પ્રદેશના બસ્તી ડિવિઝન અંતર્ગત આવતા સિદ્ધાર્થ નગર જિલ્લામાં રીલ બનાવવા જોખમ ખેડવું કેટલાક યુવાનોને ભારે પડ્યું હતું. પાણીની ટાંકી પર 16 કલાક ફસાયેલા બે બાળકોને વાયુસેનાએ ઉગાર્યા હતા. અહીં રવિવારે સવારે ભારતીય વાયુસેનાએ એક સાહસિક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને પાણીની ટાંકી પર ફસાયેલા બે બાળકોને સુરક્ષિત નીચે ઉતાર્યા છે. આ બાળકો અંદાજે 16 કલાક સુધી ટાંકી પર ફસાયેલા રહ્યા હતા.
કેવી રીતે ઘટી ઘટના?
શનિવારે રીલ બનાવવાના શોખમાં પાંચ મિત્રો કાંશીરામ આવાસ કોલોનીમાં આવેલી પાણીની ઊંચી ટાંકી પર ચઢી ગયા હતા. આ દરમિયાન ટાંકીની સીડી અચાનક તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. સીડી તૂટવાથી સિદ્ધાર્થ, શનિ અને ગોલુ નામના ત્રણ બાળકો નીચે પટકાયા હતા, જ્યારે પવન અને કલ્લુ નામના બે બાળકો ટાંકીની ઉપર જ ફસાઈ ગયા હતા.
એક બાળકનું નિપજ્યું મોત
નીચે પટકાયેલા બાળકોમાં સિદ્ધાર્થનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નીપજ્યું છે. અન્ય બે ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે માધવ પ્રસાદ ત્રિપાઠી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ
વાયુસેનાનું દિલધડક રેસ્ક્યુ
ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ગોરખપુરથી દોડી આવી હતી, પરંતુ ટાંકી સુધી પહોંચવા માટે પાકો રસ્તો ન હોવાથી તેમની લિફ્ટ કામ કરી શકી નહોતી. રાત્રે રસ્તો બનાવવાની કામગીરી પણ વરસાદને કારણે અટકી પડી હતી. આખરે જિલ્લા વહીવટીતંત્રે રાજ્ય સરકાર પાસે મદદ માંગી અને ભારતીય વાયુસેનાના Mi-17 V5 હેલિકોપ્ટરને ગોરખપુરથી બોલાવવામાં આવ્યું.
15 મિનિટમાં જ રેસ્કયુ
રવિવારે સવારે 5:20 કલાકે હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને વાયુસેનાના જવાનોએ માત્ર 15 મિનિટમાં જ બંને બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. રેસ્ક્યુ બાદ બાળકોને મેડિકલ ચેકઅપ માટે ગોરખપુર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયાના વળગણ અને જોખમી રીતે રીલ બનાવવાની ઘેલછા સામે લાલબત્તી સમાન છે.















