![]()
Jamnagar : જામનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં દારૂના નશામાં ઘરમાં હંગામો અને મારામારી કરનાર યુવક સામે પોલીસ દ્વારા દારૂબંધી ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મહાવીરનગર શેરી નં.03 ખાતે રહેતા ભાવેશભાઈ બાબુભાઈ ઝાલાએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના મોટાભાઈ આકાશભાઈ બાબુભાઈ ઝાલા દારૂના નશામાં ઘરે આવ્યા હતા. નશાની હાલતમાં તેઓ ગાળો બોલી તોફાન મચાવતા હતા અને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.
પરિસ્થિતિ બગડતા ફરિયાદીએ તાત્કાલિક 112 જનરક્ષક સેવા પર ફોન કરતા પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બંને ભાઈઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે તપાસ દરમ્યાન આકાશભાઈ ઝાલા દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ થયું હતું. તેમની આંખો લાલચોળ જણાતી હતી અને તેઓ પોતાના શરીરનું સંતુલન જાળવી શકતા નહોતા. પોલીસે પૂછપરછ દરમ્યાન કોઈપણ પ્રકારનો પરમિટ રજૂ કરવામાં આવ્યો નહોતો.
પોલીસે બે પંચોની હાજરીમાં કાર્યવાહી કરી અને આકાશભાઈ ઝાલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કલમ 66(1)(બી) અને 85(1) મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આરોપીને કાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે.















