Ahmedabad News: અમદાવાદમાં લગ્નની ખોટી લાલચ આપી યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધી વિશ્વાસઘાત કરવાની ઘટના સામે આવી છે. થલતેજમાં એક યુવકે લગ્નનો વાયદો કરી પીડિતા સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. અંતે યુવકે લગ્ન કરવાની ના પાડી દેતા પીડિતાએ આ અંગે પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ
ફરિયાદ અનુસાર, પીડિયા નવરંગપુરામાં એક સ્પા અને સલૂનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પીડિતાનો આરોપ છે કે, આરોપીએ છેલ્લા ત્રણેક વર્ષથી તેની સાથે પ્રેમ સંબંધ હતો અને સતત લગ્ન કરવાનું વચન આપતો રહ્યો હતો. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી યુવકે અચાનક લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને પીડિતાનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જે બાદ પીડિતાએ યુવક સામે પોલીસ ફરિયાદ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શાહીબાગ પોલીસ લાઇન વિસ્તારમાં રહેતા 29 વર્ષીય કલ્પેશ સુભાષભાઈ ભેસાણી સાથે પીડિતાની મુલાકાત ત્રણેક વર્ષ પહેલા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. આરોપીએ ગત 14 ફેબ્રુઆરી 2024ના રોજ વસ્ત્રાપુર લેક પાસે આવેલી એક હોટલમાં લગ્નનું કહી પહેલી વખત પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ, યુવક પીડિતા સાથે લાલ દરવાજા ખાતે મૈત્રી કરાર પણ કર્યા હતા અને પીડિતાને ભાડાના મકાનમાં રહેવા માટે વ્યવસ્થા કરી આપી ત્યાં પણ અવારનવાર મુલાકાત દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જ્યારે પણ પીડિતા લગ્નની વાત કરતી ત્યારે આરોપી જલ્દી લગ્ન કરી લેવાનું કહેતો હતો, પરંતુ અંતે તેણે લગ્નની ના પાડી દેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
TRB જવાનની ધરપકડ
આ અંગે A ડિવિઝન ઈન્ચાર્જ ACPએ જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થલતેજ વિસ્તારની એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જે નવરંગપુરાના એક સ્પામાં મેનેજર તરીકે કામ કરે છે. આ કેસનો આરોપી કલ્પેશ ભેસાણી છે, જે છેલ્લા 10-12 વર્ષથી બી ડિવિઝનમાં ટ્રાફિક બ્રિગેડ(TRB) તરીકે નોકરી કરે છે. આશરે ત્રણ વર્ષ પહેલાં વાસણા પોલીસ સ્ટેશન ખાતે બંનેનો પરિચય થયો હતો અને ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જુલાઈ 2025માં બંને વચ્ચે મૈત્રીકરાર થયા હતા, પરંતુ આરોપીએ ફરિયાદીના ફોન ઉપાડવાના બંધ કરી દીધું હતું. આ દરમિયાન આરોપીના અન્ય કોઈ સ્ત્રી સાથે લગ્ન કે પ્રેમ સંબંધની વાત સામે આવતા પીડિતાને વિશ્વાસઘાતનો અહેસાસ થયો અને તેણે ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ
સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જરૂરી સ્ટેટમેન્ટ અને પંચનામા બાદ એફએસએલની મદદથી મહત્તમ વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એકઠા કર્યા છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે એવું જણાવે છે કે પીડિતાના અન્ય કોઈ યુવક સાથેના ફોટા તેની પાસે આવ્યા હતા, જેના કારણે બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. જોકે, આરોપી આ જે હકીકત જણાવે છે તેમાં કેટલું સત્ય છે તેની ખરાઈ કરવા માટે તપાસ શરૂ છે. આગામી સમયમાં કોર્ટમાં 164 મુજબનું નિવેદન નોંધાવી અને વધુ પુરાવાઓ એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે.















