![]()
વડોદરા,રેલવેમાં નોકરી આપવાના બહાને દંતેશ્વરના ભેજાબાજે ૧૧૦ લોકો પાસેથી કુલ ૫૮.૯૮ લાખ રૃપિયા પડાવી લેનાર આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો હતો. ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.
ડભોઇરોડ વૈષ્ણવ કુટિર સોસાયટીમાં રહેતા જીમ ટ્રેનર સુનિલ કામડીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રેલવેમાં નોકરી માટે મેં આકાશ સંજયભાઇ ચૌહાણ (રહે. ચિરાયુનગર સોસાયટી, દંતેશ્વર) સાથે વાત કરી હતી. તેના કહેવા મુજબે તેણે આપેલા ક્યુ આર કોડ પર મેં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. મારા ઓળખીતા અન્ય છ લોકોને પણ આકાશે નોકરી લગાવ્યા હતા. તેના કુલ ૩.૦૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. અમે નોકરી પર જતા ત્યારે મારા જેવા અન્ય ૧૦૯ લોકો પણ નોકરી પર આવ્યા હતા. એક મહિના સુધી નોકરીએ ગયા પછી અમે આકાશને કહ્યું કે, અમને પગાર અને આઇ કાર્ડ આપો. અમે અહીંયા આવીએ છીએ તો અમારી હાજરી કેમ કોઇ ભરતું નથી. તેણે એવો જવાબ આપ્યો હતો કે,અમારા સાહેબ રોજ કેમેરામાં જુવે છે. જેથી,તમારી હાજરની નોંધ થઇ જાય છે. તેણે પવાર સાહેબ નામના અધિકારીનું નામ જણાવી રૃપિયા પડાવી લઇ કોઇને નોકરી અપાવી નહતી. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી. આરોપી સંજય ચૌહાણની ધરપકડ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પવાર સાહેબના નામે આરોપી લોકો પાસેથી રૃપિયા ઉઘરાવતો હતો. તે પવાર સાહેબની શોધોખોળ પોલીસે હાથ ધરી છે.















