વડોદરાઃ સરકારની નવી શિક્ષણ નીતિનો વાજતે ગાજતે પ્રચાર કરીને એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આજથી ત્રણ વર્ષ પહેલા વિવિધ ફેકલ્ટીઓમાં ચાર વર્ષના ડિગ્રી ઓનર્સ કોર્સ શરુ કર્યા હતા.હવે જ્યારે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને ઓનર્સ કોર્સના ચોથા વર્ષમાં પ્રવેશ આપવાનો આવ્યો છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ હાથ અધ્ધર કરી દીધા છે.
બે દિવસ પહેલા મળેલી ફેકલ્ટી ડીનોની બેઠકમાં થયેલી ચર્ચા બાદ ઓનર્સ કોર્સના ભાગરુપે ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓને ભણાવવા કે વર્તમાન શૈક્ષણિક વર્ષમાં ત્રીજા વર્ષમાં પાસ થનારા વિદ્યાર્થીઓને ડિગ્રી આપી દેવી તેનો નિર્ણય સત્તાધીશોએ ફેકલ્ટી ડીનો પર છોડયો છે અને મળતી જાણકારી પ્રમાણે આર્ટસ, કોમર્સ અને સાયન્સ સિવાયની બાકીની ફેકલ્ટીઓએ ચાર વર્ષની જગ્યાએ ત્રણ વર્ષનો જ કોર્સ રાખવાનું પસંદ કર્યું છે.આ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી નહીં પણ માત્ર ડિગ્રી જ મળશે અને અગાઉની જેમ તેમને માસ્ટર કોર્સમાં પ્રવેશ લેવાનો રહેશે.
યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓએ અગાઉ પ્રસિધ્ધ કરેલા એડમિશન બ્રોશરમાં મોટા ઉપાડે ઓનર્સ કોર્સનો ઉલ્લેખ કર્યો હતો પણ હવે ફેકલ્ટી ડીનો અને અધ્યાપકો ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓને ભણાવીને ઓનર્સ ડિગ્રી આપવા માટે ઉત્સુક નથી.
નવી શિક્ષણ નીતિનું બાળમરણ થવાના ભણકારા
સરકારનો ચોથા વર્ષ માટે વધારાના અધ્યાપકો મંજૂર કરવાનો ઈનકાર
યુનિ.સત્તાધીશો અને સરકાર વચ્ચેના ટકરાવમાં હજારો વિદ્યાર્થીઓ સાથે એક પ્રકારે છેતરપિંડી
યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, નવી શિક્ષણ નીતિનું સરકારના પાપે બાળમરણ થવા જઈ રહ્યું છે.કારણકે ઓનર્સ કોર્સના ચોથા વર્ષમાં ભણાવવા માટે વધારાના અધ્યાપકોની જરુર પડવાની છે.આ માટેની વધારાની જગ્યાઓ મંજૂર કરવા માટે સરકારે એમ.એસ.યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓને ઘસીને ના પાડી દીધી છે.આમ સરકાર અને યુનિવર્સિટી વચ્ચે થયેલા ટકરાવથી એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો માટે કટોકટી સર્જાઈ છે.કારણકે યુનિવર્સિટી જાતે વધારાના હંગામી અધ્યાપકોની વ્યવસ્થા કરી શકે તેમ નથી અથવા તો સત્તાધીશોની દાનત નથી.જોકે તેના કારણે હજારો વિદ્યાર્થીઓ સાથે એક પ્રકારે છેતરપિંડી થશે.તેની પાછળનું કારણ એ છે કે, જે તે સમયે આ વિદ્યાર્થીઓને ચાર વર્ષના ડિગ્રી ઓનર્સ કોર્સમાં પ્રવેશ અપાયો હતો.
તમામ વિભાગો બીએ ઓનર્સ ચાલુ રાખશેઃ આર્ટસ ડીન
આર્ટસ ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ કહ્યું હતું કે, અમે તમામ વિભાગોમાં બીએ ઓનર્સ ચાલુ રાખીશું.આ માટે તમામ હેડ સાથે બેઠક પણ યોજી છે.વિદ્યાર્થીઓએ જે માળખામાં પ્રવેશ લીધો છે તે જ માળખા પ્રમાણે અભ્યાસ કરવાની તેમને તક મળવી જોઈએ.સંસ્થાની વિશ્વસનિયતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જળવાય તે જરુરી છે.
મર્યાદિત સંખ્યામાં ચોથા વર્ષમાં પ્રવેશ અપાશેઃ કોમર્સ ડીન
કોમર્સ ફેકલ્ટી ડીન પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, બીકોમ ઓનર્સ ચાલુ રખાશે પણ મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.આગળ ભણવા ઈચ્છુક બાકીના વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષોની જેમ એમકોમની ઉપલબ્ધ બેઠકો પર પ્રવેશ મેળવવા પ્રયત્ન કરવો પડશે.
ઓનર્સ કોર્સ ચાલુ રાખવામાં આવશેઃ સાયન્સ ડીન
સાયન્સ ફેકલ્ટી ડીન પ્રો.કલમકરે કહ્યું હતું કે, સાયન્સ ફેકલ્ટી પણ બીએસસી ઓનર્સ કોર્સ ચાલુ રાખશે અને જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવે છે તે તમામને ચોથા વર્ષમાં એડમિશન ઓફર કરવામાં આવશે.વિદ્યાર્થીઓને ચાર વર્ષનું શિક્ષણ આપવા માટે ફેકલ્ટી પ્રતિબધ્ધ છે.















