![]()
Rahul Gandhi Gurugram Rally: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગુરુગ્રામની મુલાકાત લીધી હતી. સદ્ભાવના યાત્રામાં સામેલ થયા બાદ તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બેરોજગારી, ચૂંટણી પ્રક્રિયા અને કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે દેશનું ધન માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યું છે, જ્યારે દેશના યુવાનોને રોજગાર આપવાને બદલે સોશિયલ મીડિયાની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે.
જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કેટલાક વર્ષો પહેલા મેં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કરી હતી, જેમાં લાખો લોકો જોડાયા હતા. તે સમયે ‘નફરતના બજારમાં મોહબ્બતની દુકાન’નો નારો જનતામાંથી જ ઊભરી આવ્યો હતો.” તેમણે ઉમેર્યું કે આ માત્ર કોંગ્રેસનો નારો નથી, પરંતુ સમગ્ર દેશની ભાવના છે અને આજે પણ દેશને તેની ખૂબ જરૂર છે.
લાખો મતદારોના નામ યાદીમાંથી કાઢી નાંખવામાં આવે છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ થતી હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, લાખો મતદારોના નામ કાઢી નાખવામાં આવે છે અને લાખો નવા નામ ઉમેરવામાં આવે છે. દેશની સંપત્તિઓ મોટા ઉદ્યોગપતિઓને સોંપવામાં આવી રહી છે. જનતાના નાણાં છીનવીને ગૌતમ અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
રોજગારને બદલે યુવાનોને સોશિયલ મીડિયાનો નશો અપાયો: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “યુવાનો કૉલેજોમાંથી ડિગ્રીઓ તો મેળવે છે, પરંતુ તેમને રોજગાર મળતો નથી. સરકારની નીતિઓને કારણે દેશમાં ચીનની વસ્તુઓ વેચાઈ રહી છે અને યુવાનોને કામ આપવાને બદલે તેમને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે.”
યાત્રામાં દિગ્ગજ નેતાઓની હાજરી
રાહુલ ગાંધીના આગમન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રણદીપ સિંહ સુરજેવાલા, કુમારી શૈલજા, રાજ બબ્બર, ધારાસભ્ય મામન ખાન અને આફતાબ અહમદ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા આગામી સમયમાં હરિયાણા કોંગ્રેસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.















