![]()
અમદાવાદ, શુક્રવાર
નારોલ અને હાંસોલમાં અકસ્માતમાં યુવક અને વૃદ્ધનું મોત થયું હતું. જેમાં નારોલ વટવા રોડ ઉપર મોપેડ ચાલકનું યુવકનું ડમ્પર નીચે કચડાતાં મોત થયું હતું જ્યારે ઇન્દીરાબ્રિજ પાસે આઇકોનીક રોડ ઉપર પગપાળા જતા વૃદ્ધનું કારની ટક્કરથી મોત થયું હતું. આ બન્ને બનાવમાં ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં યુવકને મોતને ઘાટ ઉતારી ડમ્પર ચાલક ભાગી ગયો ઃ ઇન્દીરાબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધનું મોત ઃ ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
વટવામાં યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના નાના ભાઇ વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગઇકાલે સવારે નારોલ વટવા રોડ ઉપર ગોલ્ડન ફાલુદા આઇસ્કીમ સેન્ટરની દુકાન પાસેથી જ્યુપીટર લઇને પસાર થતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી ડમ્પર ચાલકે જ્યુપીટરને સાઇડમાં ટક્કર મારતાં તેમનો ભાઇ ડમ્પરના ટાયર નીચે આવી જતા માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત થયું હતું જ્યાં અકસ્માત કરીને ડ્રાઇવર ભાગી ગયો હતો.
બીજા બનાવમાં એરપોર્ટ નજીક હાંસોલમાં વૃદ્ધ ગઇકાલે સાંજે ઇન્દીરાબ્રિજથી હાંસોલ સર્કલ તરફ આઇકોનીક રોડ ઉપર મહાકાળી મંદિર સામેથી પગપાળા જઇ રહ્યા હતા આ સમયે પૂર ઝડપે કાર ચલાવીને આવતા ચિરાગભાઇ વાછાનીએ ટક્કર મારતાં માથા સહરિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.















