![]()
કોટડાસાંગાણીના નારણકામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
ગોંડલના ગુંદાસરા ગામે રહેતા મૂળ યુપીના દંપતીની ધરપકડ, પાઇપનો ઘા ઝીંકી બેભાન કર્યા બાદ કુહાડાના ઘા ઝીંકી પતાવી દીધો
રાજકોટ: કોટડાસાંગાણીના નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં રોડની સાઇડમાંથી ગઇકાલે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. એલસીબીએ તેનો ભેદ ઉકેલી લીધો છે. મૃતક વિજયદાસ વસંતદાસ દુધરેજીયા (રહે. આદર્શ સોસાયટી, પાળ પીપળીયા, તા. લોધિકા)ની ગોંડલના ગુંદાસરા ગામે રીબડા રેલવે સ્ટેશન નજીક રહેતાં સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદ (ઉ.વ.૪૬) અને તેની પત્ની રીતા (ઉ.વ.૪૦)એ હત્યા કરી હતી. મૃતકને રીતા સાથે આડાસંબંધ હતા. જેની જાણ તેના પતિ સુરેન્દ્રને થતાં કાવતરુ ઘડી મૃતકને પોતાના ઘરે બોલાવી તેનું કાસળ કાઢી નાખ્યું હતું.
એલસીબીની તપાસમાં ખુલ્યા પ્રમાણે આરોપી સુરેન્દ્ર પરિવાર સાથે અગાઉ પાળ પીપળીયા ગામે રહેતો હતો. તેના મકાનની સામે જ મૃતક વિજયદાસ રહેતો હતો. તેને સુરેન્દ્રની પત્ની રીતા સાથે પ્રેમ કમ આડાસંબંધ હતા. જેની જાણ સુરેન્દ્રને થતાં દોઢેક વર્ષ પહેલાં તે ગુંદાસરા ગામે રહેવા આવી ગયો હતો. આ પછી પણ મૃતક વિજયદાસ અને રીતા વચ્ચે સંબંધો ચાલુ રહ્યા હતા. એટલું જ નહીં મૃતક વિજયદાસે રીતાને ગુંદાસરા ગામે જઇ એક મોબાઇલ ફોન પણ આપ્યો હતો.
ગઇ તા.૮ના રોજ રીતા તે મોબાઇલ પર મૃતક વિજયદાસ સાથે વાતચીત કરતી હતી ત્યારે અચાનક ત્યાં આવી પહોંચેલા પતિ સુરેન્દ્રએ તેને રંગેહાથ પકડી લીધી હતી. જેને કારણે તેને પત્ની સાથે ઝઘડો થયો હતો. તે વખતે જ તેણે મૃતક વિજયદાસને પાઠ ભણાવવો છે તેમ કહીં પત્ની પાસે તેને કોલ કરાવ્યો હતો. પત્ની રીતાએ મૃતક વિજયદાસને કોલ કરી કહ્યું કે, તેનો પતિ આજે રાત્રે નોકરી પર જવાનો છે. જેથી ઘરે આવજો.
તે સાથે જ મધરાત્રે અઢીએક વાગ્યે મૃતક વિજયદાસ તેના ઘરે પહોંચતા જ ત્યાં છુપાઇ ગયેલા સુરેન્દ્રએ તેના માથામાં લોખંડના પાઇપનો ઘા ઝીંકી દીધો હતો. ત્યાર પછી પત્ની સાથે મળી તેના હાથ-પગ બાંધી દીધા હતા. તેને જીવીત હાલતમાં પોતાની સ્વીફ્ટ કારની ડેકીમાં નાંખી જ્યાંથી લાશ મળી ત્યાં લઇ ગયો હતો. જ્યાં તેના ગળામાં કુહાડાના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ પછી પોતાની સ્વીફ્ટ કારમાં પત્ની સાથે ઘરે જતો રહ્યો હતો. કોટડાસાંગાણી પોલીસમાં ગુનો નોંધાયા બાદ એલસીબી પીઆઇ જે.પી.રાવ અને પીએસઆઇ એચ.સી.ગોહિલે તપાસમાં ઝુંકાવ્યું હતું. સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓની ઓળખ મેળવી ઝડપી લીધા હતા. એટલું જ નહીં ગુનામા વપરાયેલી સ્વીફ્ટ કાર પણ કબજે કરી હતી.
– સરકારી સીસીટીવી કેમેરામાંથી કારના નંબર મળતાં ભેદ ઉકેલાયો
રાજકોટ: એલસીબીને મધરાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ ઘટનાસ્થળ નજીકથી સ્વીફ્ટ કાર પસાર થતી દેખાઇ હતી. ત્યાર પછી શાપર નજીકના સરકારી કેમેરામાંથી કારના નંબર મળી ગયા હતા. જેના આધારે ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. આરોપી સુરેન્દ્ર મૂળ યુપીનો વતની છે. શાપરમાં આવેલી બેરીંગની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાંથી મોટો પુત્ર આણંદમાં બીએચએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. બીજો પુત્ર ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. મૃતક વિજયદાસ રિક્ષા ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. છુટાછેડા થઇ ગયા હોવાથી પત્ની અલગ રહે છે. હાલ તે માતા અને પુત્ર સાથે રહેતો હતો.















