![]()
4 મેથી ૭ જૂન સુધી વેકેશન જાહેર થયા બાદ
એડીઇઆઇના સ્થળ પરના ચેકિંગ દરમિયાન વિવિધ વર્ગખંડોમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થી શિક્ષણ લેતા મળ્યા હતાં
ભાવનગર – ગુજરાત શિક્ષણ બોર્ડના નિયત કેલેન્ડર મુજબ વેકેશન જાહેર થયું હોવા છતાં કેટલીક સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૃ હોવાની ફરિયાદ મળતા ડીઇઓ કચેરી દ્વારા રૃબરૃ સ્થળ તપાસ કરી હકીકત જણાતા ત્રણ ખાનગી સ્કૂલોને કારણદર્શક નોટિસ આપતા ચર્ચા જાગી છે.
ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરના વાર્ષિક કેલેન્ડર મુજબ વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું વેકેશન જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ તા.૪-૫ થી ૭-૬ સુધી ઉનાળુ વેકેશન જાહેર થયેલ છે. વિવિધ માધ્યમો દ્વારા ડીઇઓને વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓને શાળા ખાતે બોલાવી શિક્ષણ કાર્ય શરૃ રાખેલ હોવાની ફરિયાદ મળતા બાબતે અત્રેની કચેરીના એડીઇઆઇ દ્વારા આજરોજ શાળાની રૃબરૃ મુલાકાત લેવામાં આવતા શાળામાં શૈક્ષણિક કાર્ય શરૃ હોવાનું માલુમ પડેલ હતું. આ સમયે શાળામાં ધોરણ ૧૨ (વિ.પ્ર.)ના બંને માધ્યમના વિવિધ વર્ગોમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ હાજર જોવા મળેલ હતાં. જેમનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય સરકારના આદેશનું ઉલ્લંઘન કરી નિયમ વિરૃદ્ધ શાળા ચાલુ રાખેલ હોય આ ગેરશિસ્ત સબબ શાળા વિરૃદ્ધ નિયમાનુસારની કાર્યવાહી શા માટે ન કરવી તેનો લેખિત ખુલાસો દિન-૨માં રજૂ કરવા અંગેની નોટિસ શહેરની જ્ઞાાનમંજરી હાઇસ્કૂલ, જ્ઞાાનગુરૃ વિદ્યાપીઠ અને વિદ્યાધીશ વિદ્યાસંકુલને આપી હોવાનું જણાયું છે.
બોક્સ
બોર્ડના નિયમ ભંગને કોઇપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય
ભાવનગરની ઘણી સ્કૂલો પોતાની પેટા બ્રાંચમાં ક્લાસીસ ચલાવી રહી છે. જ્યાં તંત્રના હાથ ટૂંકા પડી રહ્યા છે. પરંતુ નોંધાયેલ શાળા સંકુલમાં વેકેશન ગાળા દરમિયાન કોચીંગ એ નિયમ વિરૃદ્ધ હોય તે કોઇપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય અને ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
કોર્ષ પૂર્ણ કરાવવા અને એડવાન્સની તૈયારી માટે વર્ગો જરૃરી
ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા કોર્ષ પૂર્ણ કરાવવા પર્યાપ્ત સમય ન હોય અને આગામી જેઇઇ એડવાન્સની પરીક્ષાની તૈયારી માટે બોર્ડમાં તેમજ કલેક્ટર સમક્ષ રજૂઆત પણ કરી છે અને વેકેશન ૫૦ ટકા આપતા હોય ત્યારે છુટછાટની માંગ કરાઇ હતી. જો કે, આ અંગે કોઇ ખુલાસો હજુ આવ્યો નથી ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ એસોસીએશન દ્વારા કરાઇ છે.















