![]()
મંદિર પરિસરમાં તા. 26 એપ્રિલે ઝેરી પદાર્થ ખાધો હતો : 20 દિવસની સારવાર બાદ દમ તોડયો : માઇગ્રેનની બીમારીથી પીડાતા હતાં : મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની
સુરત, : સુરતના લસકાણા સ્થિત સ્વામીનારાયણ મિશન મંદિરના સ્વામી પ્રિયદર્શનનું હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ મોત નીપજ્યું છે. ગત 26 એપ્રિલે તેમણે કોઇ કારણસર ઝેરી પદાર્થ ખાઇ લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે માઇગ્રેનની બીમારીને લીધે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. જોકે, સ્વામીના આપઘાતના બનાવમાં ઉચ્ચસ્તરીય તપાસ કરવા શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતએ માંગણી કરી છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલમાં કાપોદ્રામાં ચીકુવાડી ખાતે કલાકુંજ સ્વામીનારાયણના મંદિરમાં રહેતા ૪૮ વર્ષીય પ્રિયદર્શન સ્વામી ગત તા.૨૬મીએસવારે મંદિરમાં ઝેરી પદાર્થ ખાઇ લીધો હતો. જેને પગલે તે બેભાન થઇ ગયા હતા. શ્રધ્ધાળુઓને જાણ થતા દોડધામ મચી હતી અને સ્વામીને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને અડાજણની બાપ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જોકે, વીસ દિવસ સુધી મોત સામે ઝઝુમ્યા બાદ સ્વામીએ શુક્રવારે બપોરે અંતિમ શ્વાસ લેતા શ્રધ્ધાળુઓમાં શોક છવાયો છે. પ્રિયદર્શન સ્વામી મંદિરમાં ઘનશ્યામ મહારાજના અનન્ય સેવક, ભજન-ભક્તિ અને કથા વાર્તા કરતા હતા. સ્વામીના આપઘાતના પગલાં અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરવામાં આવી છે. સ્વામીના મૃતદેહનું પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરાઇ છે. તપાસકર્તા લસકાણા પોલીસે જણાવ્યું કે, પ્રિયદર્શન સ્વામી ઘણા સમયથી માઇગ્રેનની બીમારીથી પીડાતા હતા. જેની દવા પણ ચાલુ હતી. જે બીમારીથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ અંગે વધુ તપાસ જારી છે.















