![]()
રાજકોટ પાર્સીંગની કાર ઝપટે ચડી ગઇ, આવકવેરા વિભાગને જાણ કરાઇ
કારના ચોરખાનામાં પ્લાસ્ટીકના બોક્સમાં સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા; આધાર-પુરાવા રજૂ નહીં થતા કાર્યવાહી
રાજકોટ: રાજકોટમાં તૈયાર થતા સોનાના દાગીનાની દેશના તમામ રાજ્યોમાં ભારે ડીમાન્ડ હોય છે. દરમિયાન છતીસગઢમાં ગઇકાલે કારના છૂપાખાનામાં રૂા.૯ કરોડના સોનાના દાગીના સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લેતા આજે રાજકોટમાં સોનાના દાગીનાના ધંધાર્થીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. સોનાના દાગીનાના દસ્તાવેજની ખરાઇ કરવાનો પોલીસે પ્રયાસ કરતા કોઇ આધાર-પુરાવા નહીં મળતા પોલીસે દાગીના કબજે કરી આ મુદ્દે આવકવેરા વિભાગને જાણ કરી હતી.
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છતીસગઢના મહાસમુદ નજીક ગત તા.૧૭ના રોજ રેહટીબોલ ચેકપોસ્ટ નજીક ઓડિસ્સા તરફથી આવતા વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજકોટ પાર્સીંગની કાર નં. જી.જે.૦૩ એન.પી.૪૨૩૦ વોક્સવેગનની તલાશી લેવામાં આવતા તેના છૂપાખાનામાંથી પ્લાસ્ટિકના બોક્સમાંથી સોનાના ઘરેણાં મળી આવ્યા હતા. પુછપરછ કરતા કારમાં પ્રવાસ કરી રહેલા જયેશ અકબરી (૨) સુનિત કારેના અને (૩) રૂષી અગ્રાવતની પોલીસે પુછપરછ કરતા દાગીના કોને આપવાનાં છે ? તે અંગે કોઇ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. સોનાના અંદાજે રૂા.૯.૧૭ કરોડના દાગીનાના દસ્તાવેજ કે આધાર-પુરાવા પોલીસ સમક્ષ રજૂ નહીં થતાં પોલીસે ઘરેણા કબજે કરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ પોલીસે કારના નંબરના આધારે માલિકીની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી પોલીસે તપાસ આગળ ધપાવી છે.















