![]()
વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં છ દિવસ પહેલાં ઘટનાં બની હતી
પૈસાની લેતીદેતી મામલે તેના મિત્રએ માથામાં પથ્થરનો ઘા ઝીંકી દેતા સારવાર હેઠળ હતો, હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ
રાજકોટ: વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં છએક દિવસ પહેલાં પૈસાની લેતીદેતી મામલે સુધીરભાઇ અવધભાઇ તીવારી (ઉ.વ.૩૫)ને માથામાં પથ્થરનો ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરાતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આજે તેનું મૃત્યુ નિપજતાં બનવા હત્યામાં પલટાયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં રહેતા અને કોઠારીયા સોલવન્ટમાં સ્વાતિ પાર્કમાં સ્થિત કારખાનામાં કામ કરતાં મૂળ બિહારના સુધીરભાઇ તેના મિત્ર બીલાલ ભટ્ટી સાથે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ઇંડા મટનની દુકાને જમવા માટે ગયા હતા. ત્યારે રૂપિયાની લેતીદેતી મામલે બંને મિત્રો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેથી દુકાનદારે તેને ઝઘડો કરવાની ના પડતાં બંને થોડે દૂર એક વૃક્ષ નીચે ગયા બાદ ત્યાં ફરી ઝઘડો કરવા લાગ્યા હતા.
આ સમયે દુકાનદાર તેને રોકવા જઇ રહ્યા હતા તે પહેલા આરોપી બીલાલે ઉશ્કેરાઇ નીચે પડેલ પથ્થર સુધીરભાઇના માથામાં મારી દેતા લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ પડી ગયા હતા. જ્યારે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ સુધીરભાઇને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તાલુકા પોલીસે આ મામલે સુધીરના ભાઇ પ્રવિણ તિવારીની ફરિયાદ પરથી બીલાલ ભટ્ટી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
બીજી તરફ આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સુધીરભાઇનું હોસ્પિટલમાં મૃત્યું નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. તાલુકા પોલીસે આ મામલે હત્યાની કલમનો ઉમેરો કરવા કવાયત શરૂ કરી છે. .














