![]()
વડોદરા,ગોરવા પોલીસ સ્ટેશનની ઇલોરાપાર્ક ચોકીમાં અરજીના કામે આવેલા યુવક પર તેની પત્નીએ હુમલો કર્યો હતો. જ્યારે પત્ની સાથે આવેલા અન્ય ત્રણ માથાભારે તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોરવાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી ઉર્વશી જગદીશભાઇ નાઇએ ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમના પતિ પાર્થ રોહિત તથા અન્ય સામે સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. તે અંગે ગોરવા પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે મેટર હાલ કોર્ટમાં ચાલુ છે. દરમિયાન ઉર્વશીએ તેના પતિ પાર્થ અશોકભાઇ રોહિત સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેની તપાસ માટે નિવેદન લખાવવા પાર્થને ઇલોરાપાર્ક ચોકીમાં બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન તેની પત્ની ઉર્વશી પોતાની સાથે અન્ય ત્રણ માથાભારે તત્વોને લઇને ચોકી ખાતે આવી હતી. ઉર્વશીએ તેના પતિને પોલીસ ચોકીમાં જ બે થી ત્રણ તમાચા મારી દીધા હતા. તેમજ તેની સાથે આવેલા અન્ય માથાભારે તત્વોએ પાર્થને ધમકી આપી હતી કે, ઉર્વશીના પૈસા પરત આપી દે નહીંતર તને છોડીશું નહીં. તારે ગોરવામાં રહેવું ભારે પડશે. જેથી,ગોરવા પોલીસે ગુનો દાખલ કરી ચારેયની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામા પક્ષે ઉર્વશીએ એવો આક્ષેપ કર્યો છે કે, અગાઉ હું બેન્કમાં નોકરી કરતી હતી. તે સમયે પાર્થે મારી સાથે મિત્રતા કેળવી રૃપિયા લીધા હતા.તે રૃપિયા પરત આપવા ના પડે તે માટે તેણે તાંત્રિક વિધી કરી મારી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેઓ મને ગોંધી રાખતા હતા. હું માંડ છૂટીને આવી હતી. મેં ૭ અરજીઓ આપી છે.પણ પોલીસ કંઇ કરતી નથી.
પોલીસે યુવકની પત્ની સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો
(૧) ઉર્વશી (૨) વિજય ઉર્ફે મનિષસિંહ ચંદ્રસિંહ રાઠોડ (રહે.મધુનગર સોસાયટી, ગોરવા) (૩) આશીફ ઉર્ફે મૂછડ યુસુફભાઇ શેખ (રહે. બોરિયા તળાવ, ગોરવા) તથા (૪) શબ્બીર ઉર્ફે સબો સિકંદરભાઇ વાઘેલા (રહે.ગંગાનગર, હુસેની ચોક પાસે) નો સમાવેશ થાય છે.















