![]()
Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વેપારી વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બનેલા કરોડોના આર્થિક ફૂલેકા મામલે આખરે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે વેપારી દ્વારા રૂ.1 કરોડ 33 લાખ 40 હજારની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઈ સાબુવાલા (ઉ.વ.58, રહે. સોઢાવાડી, વહેવારિયા મદ્રેસા રોડ, જામનગર) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે હિતેષભાઈ લક્ષ્મીકાંત ગોહીલ (રહે. વાલકેશ્વરી નગરી, શાશ્વત એપાર્ટમેન્ટ, જામનગર) સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5) હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ આરોપી હિતેષભાઈ ગોહીલે પોતે કાપડના વેપાર સાથે જુદી જુદી બેંકોના ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જણાવી વેપારીઓ અને ઓળખીતાઓનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ કાપડના વેપાર તેમજ ક્રેડિટ કાર્ડના ધંધામાં રોકાણ કરવાથી ઊંચું કમિશન અને સારો નફો મળશે તેવી લાલચ આપી હતી.
આરોપીએ ફરીયાદી સહિત અનેક લોકોને વિશ્વાસમાં લઈ બેંક ચેક, ગુગલ-પે, રોકડ રકમ તેમજ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ. 1,33,40,000 મેળવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જોકે બાદમાં રોકાણકારોને ન તો કમિશન અપાયું, અને મૂળ રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી પોતાના પરિવાર સાથે અચાનક ફરાર થઈ ગયો હતો. જેના કારણે વેપારીઓ અને રોકાણકારોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. આખરે 25 થી વધુ પીડિત વેપારીઓ જિલ્લા પોલીસ તંત્ર સમક્ષ પહોંચ્યા બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા અનેક વેપારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને તેના આધારે ચીટીંગના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.















