India Weather Update 2026: ભારતમાં હાલમાં હવામાનનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ તસવીરો (INSAT-3DS) પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દેશમાં એકસાથે બે મોટી સિસ્ટમ સક્રિય થઈ છે. એક તરફ ઉત્તર ભારતમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડી રાજ્યોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં ચોમાસાના વાદળો તેજીથી આગળ વધી રહ્યા છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા આ બંને ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારતમાં આકાશી આફત: ત્રણ રાજ્યોમાં યલો એલર્ટ
લેટેસ્ટ સેટેલાઇટ ઈમેજરીમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર વાદળોનો એક વિશાળ સ્પ્રિંગ આકારનો ઘેરાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ પર ભારે વરસાદનો ખતરો છે. હવામાન વિભાગના અનુસાર ભારે વરસાદ, વીજળીના કડાકા, વાવાઝોડું અને કેટલાક પહાડી વિસ્તારોમાં સ્થાનિક સ્તરે કરા પડી શકે છે. મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમી અને પહાડોની ઠંડી હવા વચ્ચે થઈ રહેલા ટકરાવને કારણે આ તોફાની વાદળો બંધાયા છે.

આ પણ વાંચો : તાત્કાલિક કિવ શહેર ખાલી કરો! વિદેશી નાગરિકોને રશિયાનું અલ્ટિમેટમ, ભયાનક હુમલાની ધમકી
કેરળમાં સમય પહેલા ચોમાસાનો ધડાકો!
દક્ષિણ ભારતમાંથી સામાન્ય રીતે 1 જૂનની આસપાસ શરૂ થતું ચોમાસું આ વર્ષે વહેલું દસ્તક દઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 મે (આજની આસપાસ) કેરળમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ શકે છે. કેરળના દરિયાકાંઠે અને લક્ષદ્વીપ નજીક ખૂબ જ ઘાટા અને ઊંડા વાદળો જામ્યા છે, જે દર્શાવે છે કે હિંદ મહાસાગરમાંથી ભેજયુક્ત પવનો તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યા છે. ચોમાસાના પ્રારંભિક તબક્કાને કારણે કેરળમાં 28 મેથી 3 જૂન દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના માટે તંત્ર સજ્જ થઈ ગયું છે.
મધ્ય અને પશ્ચિમ ભારતમાં હજુ પણ હીટવેવની પકડ
જ્યારે ઉત્તર અને દક્ષિણમાં વાદળો ઘેરાયા છે, ત્યારે મધ્ય ભારત અને વાયવ્ય ભારત (જેમાં ગુજરાતના કેટલાક ભાગો પણ સામેલ છે) હજુ પણ ગરમીની લપેટમાં છે. જોકે, હવામાન વૈજ્ઞાનિકોના મતે આ સ્થિતિ ઉનાળા અને ચોમાસા વચ્ચેના સંક્રમણ કાળની ક્લાસિક નિશાની છે, જે દર્શાવે છે કે ટૂંક સમયમાં જ સમગ્ર દેશના હવામાનમાં મોટો પલટો આવશે.
















