![]()
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કેલિયા વાસણા અને શેખડી ગામની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી એક શિક્ષિકાનો અર્ધ નગ્ન સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ મામલો ઘાતકી હત્યાનો હોવાનું જણાઈ આવતા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હત્યારો અજાણ્યો ઈસમ મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સરકારી વસ્તી ગણતરીના કામે આવ્યા હતા શિક્ષિકા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક મહિલાની ઓળખ રીનાબેન બળદેવભાઈ ઝાલા તરીકે થઈ છે. તેઓ મૂળ બદરખા ગામના વતની હતા અને હાલ ધોળકાના બાલાજી સ્ક્વેર, કલીકુંડ ખાતે પરિવાર સાથે રહેતા હતા. રીનાબેન ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને ગત રોજ તેઓ કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે આવ્યા હતા. વસ્તી ગણતરીની ફરજ પર ગયેલા શિક્ષિકા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી.
ખેડૂતની નજર સળગેલા મૃતદેહ પર પડી
આ ભયાનક ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે નર્મદા કેનાલની નજીક આવેલા ખેતરમાં રહેતા એક સ્થાનિક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર કેનાલના પાળા પર પડેલા અર્ધ નગ્ન સળગેલા મૃતદેહ પર પડતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ધોળકા રૂરલ પોલીસને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ધોળકા પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડકાયો
બે બાળકો માતા વગરના થયા
એક શિક્ષિકા અને બે બાળકોની માતાની આ પ્રકારે હત્યા થતાં પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. અજાણ્યા હત્યારાનું પગેરું મેળવવા માટે ધોળકા પોલીસે તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને FSLની ટીમોને ઘટનાસ્થળે બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. રીનાબેનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને આ ગુના પાછળ કોનો હાથ છે, તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.















