![]()
Bharuch Crime News : ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્હોરવાડ અને કોઠી વિસ્તારમાં આજે ધોળા દિવસે હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યો પર કોઈ અજ્ઞાત કારણોસર ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બે અલગ-અલગ મકાનોમાં થયેલા આ આંધળાઝીંક હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે પરિવારના ત્રીજા સભ્ય લોહીલુહાણ હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો એટલો ઘાતકી હતો કે ઘરનું રસોડું લોહીથી ખરડાઈ ગયું હતું, જ્યાં એક મહિલાની લોહીલુહાણ લાશ મળી આવી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
આ ચકચારી ડબલ મર્ડરની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી વ્યક્તિને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ક્રૂર હત્યાકાંડ પાછળ અંગત અદાવત છે કે લૂંટનો ઈરાદો, તે અંગેનું રહસ્ય હજી અકબંધ છે. પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.












