![]()
મુંબઈ : ૩૧મી મેના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ લગભગ બે વર્ષની ટોચે જોવા મળી છે. સદર પખવાડિયામાં બેન્ક ધિરાણમાં ૧૭.૬૫ ટકા વૃદ્ધિ થઈ છે જે બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ માગ મજબૂત હોવાનું સૂચવે છે.
જો કે ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ ૧૨.૨૧ ટકા સાથે પ્રમાણમાં નબળી રહી હતી. ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચેનો તફાવત વધી ૫.૪૪ ટકા જોવા મળ્યો છે. જંગી તફાવતને કારણે બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટીની ખેંચની સમશ્યા ઊભી થવાની શકયતા નકારાતી નથી એમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.
થાપણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧૨.૨૧ રહી એકંદર રૂપિયા ૨૬૦.૦૨ ટ્રિલિયન રહી હતી. બાકી પડેલી બેન્ક ધિરાણનો આંક રૂપિયા ૨૧૫.૧૫ ટ્રિલિયન રહ્યો હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા ૧૮૨.૮૭ ટ્રિલિયન રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
ભૌગોલિકરાજકીય તાણ વચ્ચે પણ દેશમાં ધિરાણ વૃદ્ધિમાં મજબૂતાઈ દેશની આર્થિક સ્થિતિ સદ્ધર હોવાના સંકેત આપે છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.
બેન્ક ધિરાણની સૌથી વધુ માગ સેવા ક્ષેત્ર તરફથી રહી હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે. એપ્રિલ મહિનાના રિઝર્વ બેન્કના ેડેટા પ્રમાણે સેવા ક્ષેત્રને ધિરાણમાં ૧૯ ટકા વધારો થયો છે. સેવા ક્ષેત્રમાં ધિરાણ માટેની સૌથી વધુ માગ નોન -બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ તરફથી રહી હતી.
થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે વધી રહેલા તફાવત બેન્કિંગ ક્ષેત્ર માટે આગળ જતા પડકારરૂપ બની શકે છે તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે.
હાલના સમયમાં બેન્ક થાપણની સરખામણીએ રોકાણના અન્ય સાધનો પર સારા વળતર મળી રહેતા હોવાથી બચતકારો તેમના બચતના નાણાં થાપણને બદલે આ સાધનો જેમ કે ઈટીએફસ, ઈક્વિટીસ તથા સોનાચાંદીમાં રોકવા તરફ વળ્યા છે.
૨૦૨૫માં સોનામાં રોકાણ પર ૭૫ ટકા જેટલુ જંગી વળતર પ્રાપ્ત થયું છે જેને કારણે રોકાણકારો આ કિંમતી ધાતુ તરફ આકર્ષાઈ રહ્યા છે.















