![]()
Jamnagar : જામનગર શહેરના ભાજપ કાર્યાલય ખાતે આજે એક વ્યક્તિ લિફ્ટમાં ફસાઈ જતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેર ભાજપ કારેલીમાં ફરજ બજાવતા કાંતિભાઈ મગનજીભાઈ ઝાલા આજે સવારે આશરે સવા દસ વાગ્યાની આસપાસ લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ વચ્ચે જ બંધ પડી ગઈ હતી. લિફ્ટમાં ફસાઈ જતાં કાંતિભાઈએ મદદ માટે બૂમાબૂમ કરી હતી.
આ દરમિયાન સ્થળ પર હાજર પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠિયાએ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફાયર કર્મીઓએ જરૂરી સાધનોની મદદથી લિફ્ટનો દરવાજો અને લોક ખોલી ગણતરીની મિનિટોમાં અંદર ફસાયેલા કાંતિભાઈ ઝાલાને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે તેમને કોઈ ઈજા પહોંચી નહોતી.
સમયસર બચાવ કામગીરી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે લિફ્ટની તકનીકી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી હતી.















